કરમસદમાં હાર્દિકનો કાળા વાવટા અને શાહી ફેંકી કરાયો વિરોધ, યુવા ભાજપનો કાર્યક્રમ કેવી રીતે ગયો ફ્લોપ? જાણો
આણંદઃ ગઈ કાલે હાર્દિક પટેલ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ આવ્યો હતો. જ્યાં તેમણે સરદાર સાહેબના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પહેલા કરમસદમાં હાર્દિક ગો બેકના પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. હાર્દિક કરમસદ પહોંચ્યો ત્યારે એક યુવકે તેના પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારનો કાચ બંધ હોવાથી તેને નિષ્ફળતા મળી હતી.
સરદાર પટેલના નિવાસ સ્થાને હાર્દિકનો કાફલો 6 વાગ્યે પહોંચ્યો હતો. તેની સાથે પાસના યુવા કાર્યકરો જોડાયા હતા. હાર્દિક પટેલ સરદાર પટેલના ઘરમાં પ્રવેશ્યો હતો. તે વખતે સરદાર પટેલની ઘરની સામે આવેલ એક વરંડાની પાછળ ઉભેલા એક ભાજપના કાર્યકરે કાળો વાવટો ફરકાવતાં પાસના કાર્યકરે વાવટો હાથમાંથી લઇ લીધો હતો.
કરમસદમાં સરદાર પટેલના નિવાસ સ્થાને મુલાકાત લેવા માટે હાર્દિક આવે તે પહેલાં ગામના નાગરિકોએ ભેગાં મળી પાટીદાર અનામતના નામે સરદાર પટેલનું નામ વટાવીને પાટીદારોને ગુમરાહ કરવાનું કામ કરી રહેલા હાર્દિકને ગામમાં પ્રવેશવા ન દેવા માટે તૈયારીઓ કરી હતી. જેના ભાગરૂપે ગામમાં ચાર જગ્યાએ હાર્દિક ગો-બેકના પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
હાર્દિકને કરમસદમાં નહીં પ્રવેશવા દેવા અને કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવા યુવા ભાજપ દ્વારા વીર વિઠ્ઠલભાઈની પ્રતિમા પાસે તૈયારી કરાઈ હતી. 2 કલાક સુધી હાર્દિકની રાહમાં જનતા ચોકડી પર યુવા ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જોકે, પોલીસે ભાજપ-પાસ વચ્ચે ફીલગુડની રમત રમી હાર્દિકના કાફલાનો રૂટ બદલી વિદ્યાનગરથી સરદાર પટેલના ઘરે લઇ જતાં ભાજપની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.
ગુરૂવારે સાંજે હાર્દિક કરમસદ પહોંચ્યો ત્યારે તેની કાર પર એક યુવકે કાળી શાહી ફેંકી હતી. અજાણ્યો યુવક કારની નજીક પહોંચી ગયો હતો. તે હાર્દિક પટેલ પર શાહી ફેંકવા માગતો હતો, પરંતુ કારનો કાચ બંધ થઇ જતા તેને નિષ્ફળતા મળી હતી. ભીડને કારણે તેને ફંકેલી કાળી શાહી કારના કાચથી નીચના ભાગે પડી હતી. જ્યારે અન્ય એક યુવકે કાળો વાવટો ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.