આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે અને નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખનો અંત આવે છે અને માતા બાળકના જન્મ માટે આશીર્વાદ પણ આપે છે. ચાલો જાણીએ સ્કંદમાતાની પૂજા પદ્ધતિ, તેમનો મંત્ર, તેમનો પ્રિય ભોગ , રંગ અને આરતી.


નવરાત્રિના પાંચમા દિવસે, દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સ્કંદમાતા પોતાના ભક્તોના તમામ કાર્ય પૂર્ણ કરે છે. તેમની આરાધનાથી અસંભવ કાર્યો પણ પૂરા થાય છે.          


સ્કંદમાતાનું સ્વરૂપ


ભગવાન શિવની પત્ની પાર્વતીએ સ્વામી કાર્તિકેયને જન્મ આપ્યો. ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે, તેથી માતા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. માતા સ્કંદમાતાને ચાર હાથ છે. માતા ભગવાન કાર્તિકેયને ખોળામાં લઈને સિંહ પર સવારી કરે છે. માતાના બંને હાથમાં કમળ છે.


સ્કંદમાતાનો પ્રસાદ


સ્કંદમાતાને પીળા રંગની વસ્તુઓ સૌથી વધુ પસંદ છે. માતાને કેળું અર્પણ કરવું જોઈએ. તેમને પીળા રંગના ફૂલ અને ફળ અર્પણ કરવા જોઈએ. તમે ઈચ્છો તો સ્કંદમાતાને કેસરની ખીર અર્પણ કરી શકો છો. માતાને લીલી ઈલાયચી અને એક જોડી લવિંગ પણ અર્પણ કરો.


સ્કંદમાતાને કયો રંગ ગમે છે?


સ્કંદમાતાને  પીળા રંગ પ્રિય છે તેથી શક્ય હોય તો આ રંગના પરિધાન ધારણ કરીને પૂજા કરવી અને માને પીળું પુષ્પ અર્પણ કરવું


સ્કંદમાતા પૂજા પદ્ધતિ


દરરોજની જેમ, સવારે સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો અને ગંગા જળથી પૂજા સ્થાનને શુદ્ધ કરો.


લાકડાના બાજોટ પર  પીળું કપડું પાથરીને સ્કંદમાતાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.


ત્યારબાદ સ્કંદમાતાને પીળા ફૂલોથી પૂજા કરો. માતાનું ષોડસોપચારે પૂજન કરો.  


આ પછી સ્કંદમાતાનું ધ્યાન કરો અને તેમના મંત્રનો 108 વાર જાપ કરો અને તેમને સોપારી, એલચી, લવિંગ વગેરે વસ્તુઓ અર્પણ કરો. ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.


આ બધા પછી, સ્કંદમાતાની આરતી કરો અને દરેકને પ્રસાદ વહેંચો. અંતે, માતા સમક્ષ પ્રણામ કરો અને તમારી જે ઈચ્છા હોય તે વ્યક્ત કરો અંતે ક્ષમા પ્રાર્થના છે.