Digital Arrest: ભારતના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે ભારતમાં 'ડિજિટલ અરેસ્ટ' ગુનાઓના વધતા જતા કેસોને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં પેનલે કહ્યું હતું કે સીબીઆઈ, પોલીસ, કસ્ટમ્સ, ઈડી અથવા કોર્ટ જેવી કાયદા અમલીકરણ એજન્સીઓ વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતી નથી અને લોકોને આ ષડયંત્રનો શિકાર બનવાથી સાવધાન કરવામા આવે છે. આ એડવાઈઝરીમાં WhatsApp અને Skype જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું કે આ પ્લેટફોર્મ્સ દ્વારા વારંવાર આવા કૌભાંડો કરવામાં આવે છે.






કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે 'ગભરાશો નહીં, સાવધાન રહો. CBI/પોલીસ/કસ્ટમ્સ/ED/જજ તમને વીડિયો કૉલ પર ધરપકડ કરતા નથી.' WhatsApp અને Skypeએ અગાઉ કહ્યું હતું કે તેઓ યુઝર્સની સુરક્ષા વધારવા માટે સરકારી સાયબર સુરક્ષા એજન્સીઓ સાથે સહયોગ કરી રહ્યા છે. આ એડવાઈઝરીમાં લોકોને આવા ગુનાઓની હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરવા અથવા સાયબર ક્રાઈમ વેબસાઈટની મુલાકાત લેવાની પણ અપીલ કરવામાં આવી હતી.






ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે


નોંધનીય છે કે ગયા મહિને નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (NBCC)ના એક વરિષ્ઠ અધિકારી સાથે 'ડિજિટલ અરેસ્ટ'ના મામલામાં 55 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પરથી કોઈએ અધિકારી હોવાનો દાવો કરીને 35 વર્ષીય મહિલાને છેતરી હતી. છેતરપિંડી કરનારે દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.


ડિજિટલ અરેસ્ટ શું છે અને તે કેવી રીતે થાય છે?


અજાણ લોકો માટે 'ડિજિટલ અરેસ્ટ' એ સાયબર ક્રાઇમ ટેકનિક છે. જ્યાં છેતરપિંડી કરનારાઓ એસએમએસ મોકલે છે અથવા વ્યક્તિને વીડિયો કૉલ કરે છે. તેઓ સરકારી તપાસ એજન્સીઓના અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે. આવા કિસ્સાઓમાં છેતરપિંડી કરનારાઓ ખોટો દાવો કરે છે કે વ્યક્તિ અથવા તેમના પરિવારના સભ્ય ડ્રગની હેરાફેરી અથવા મની લોન્ડરિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે અને તેથી તેમની વીડિયો કૉલ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. સાયબર ગુનેગારો પછી પીડિતને 'ડિજિટલ અરેસ્ટ'ના ભાગ રૂપે તેમના મોબાઇલ ફોનના કેમેરા ચાલુ રાખવાની સૂચના આપીને તેમના પરિસરમાં રહેવા માટે દબાણ કરે છે. આ પછી તેઓ પીડિતને છોડાવવા માટે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પૈસાની માંગ કરે છે.