સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરનાર અનેક મહાપુરુષોએ તેમના જ્ઞાન અને કાર્યથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા કરતાં-કરતાં પરમ પદની પ્રાપ્તિ કરી છે. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવન અને કાર્યથી પ્રેરણા લઈને સાહિત્ય, સંગીત, કાવ્ય અને વિવિધ કૌશલ્યમાં પારંગત અનેક મુમુક્ષુઓ ત્યાગાશ્રમ સ્વીકારી તેઓની સંત પંક્તિમાં જોડાયા હતા
અનેક લોકોને દિવ્ય સત્સંગનો યોગ પ્રાપ્ત થઈને સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એ દિશામાં આ પવિત્ર પરંપરા આજે પણ વિદ્યમાન છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિતાંત સાધુતા, ભગવાન પ્રત્યેનીની નિષ્કામ ભક્તિ અને બી.એ.પી.એસ. સંસ્થાની વૈશ્વિક સ્તરે સામાજીક, શૈક્ષણિક અને ચારિત્ર્ય નિર્માણની નોંધપાત્ર સેવાના વિવિધ આયામોથી પ્રેરણા લઈને અનેક સુશિક્ષિત અને ઉચ્ચ કારકિર્દી ધરાવતા યુવાનો પ્રગટ સત્પુરુષની નિશ્રામાં ત્યાગાશ્રમ સ્વીકારી જીવનને સાર્થક કરે છે. આ સાથે ત્યાગાશ્રમ સ્વીકારનાર યુવાનોના માતા-પિતા અને પરિવારજનો પણ ધન્યતા અનુભવે છે.
૨૧/૧૧/૨૦૨૩ના સવારે તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૦ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. સવારે નવ વાગ્યે દીક્ષા નિમિત્તેની મહાપૂજા વિધિ સંપન્ન થઇ હતી. જેમાં દીક્ષા લેનારા યુવાનોની સાથે એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાની વિદાયના આ પ્રસંગે દીક્ષાર્થી યુવાનોના માતા-પિતા ખૂબ આનંદિત હતા. દીકરાના લગ્ન વખતે જેવી રીતે વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો અને ઘરેણાઓ પહેરીને દીકરાના લગ્નને માણતા હોય એવી રીત આજના આ પ્રસંગને માણી રહ્યા હતા. દીક્ષા ઉત્સવની સભામાં ત્યાગીની દીક્ષા ગ્રહણ કરનાર પુત્રને પગે લાગતા પિતા કે પૌત્રના ચરણોમાં મસ્તક નમાવતા દાદાઓના દર્શન કરીને સૌને અલૌકિક આનંદની અનુભૂતિ થતી હતી.
આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ પાર્ષદોને સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેક્સાગરસ્વામીએ કંઠી, ઉપવસ્ત્ર, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી) એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા અને પૂજ્ય ડોકટર સ્વામીએ આશીર્વાદ આપ્યાં હતાં અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 'અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ'અર્થાત્ કે,‘અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું’ એ દીક્ષા મંત્ર આપી દીક્ષાર્થી સંતના ભાલપર ચંદનની અર્ચા કરી અંતરનો રાજીપો વરસાવ્યો.આ પ્રસંગે દીક્ષા લેનાર દીક્ષાર્થીઓના માતા-પિતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
રાજકોટના દિક્ષાર્થી અક્ષરભાઈનાં માતૃશ્રી રસીલાબેન મનજીભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, “ મારા એક સુપુત્રએ ૨૦૧૨માં દીક્ષા લીધી હતી અને આ બીજા પુત્રને સ્વામીના ચરણે સમર્પિત કરું છું, મને એનો અતિશય આનંદ છે કે એ પાંચ પંદર વ્યક્તિના પરિવાર નો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ એનું હવે પરિવાર છે.”
આજનાં આ દીક્ષા લેનારા યુવાનોમાં અભ્યાસકીય રીતે જોઈએ તો ૧ યુવાન ડોક્ટર, ૧ યુવાન પી.એચ.ડી., ૩ યુવાનો પોસ્ટ ગ્રેજ્યુએટ, ૧૧ યુવાનો એન્જિનિયર, ૪ યુવાનો અન્ય વિષયોના ગ્રેજ્યુએટ છે. એક યુવાન શ્રી ઉર્વીશભાઈ ડોક્ટર થયેલ છે. તેઓ ખૂબ સુખી પરિવારમાંથી આવે છે. જામનગરના શ્રી જિજ્ઞેશભાઈ પી.એચ.ડીની પદવી ધરાવે છે. રાજકોટના શ્રી અક્ષરભાઈ સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. વળી તેઓ એ અમેરિકાની વિખ્યાત હાર્વર્ડ યુનિ.માંથી રિલીજીયન વિષયક એક વર્ષ સુધી અભ્યાસ કર્યો છે.
અધ્યાત્મ સાધનાની સાથે સાથે આ યુવાન સંતો સદાચાર અને વ્યસનમુક્તિ જેવી અનેક પ્રકારનાં સામાજિક સેવાઓના કાર્યમાં જોડાશે. આ યુવાનોએ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલ જ્ઞાન તથા તેની રસ અને રુચિ મુજબ તેમને વિવિધ પ્રકારની સેવાઓ સોંપવામાં આવે છે. સાધુની દીક્ષા લેનારા આ યુવાન સંતો માટે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્ર પણ ચાલે છે. જ્યાં તેઓ સેવા, શિક્ષણ અને સંયમના પાઠ શીખે છે. આ સંતો સત્સંગ દ્વારા માનવકલ્યાણનું કાર્ય કરી શકે તે માટે તાલીમકેન્દ્રમાં અધ્યાપક સંતો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થી સંતો સનાતન ધર્મના શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક તલસ્પર્શી અભ્યાસ કરે છે. સાથે સાથે મેનેજમેન્ટનાં પાઠ પણ શીખે છે. દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ મહિલાઓ દ્વારા દીક્ષાર્થી યુવાનોના માતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આજનાં આ દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું, "સૌ પ્રથમ દીક્ષા લેનાર સાધકના માં બાપ ને ધન્યવાદ છે. બધું અપાય પરંતુ દિકરા ન અપાય. અત્યારે ૧૧૯૫ સંતો થયા. આગળ ખૂબ વધશે"