Anant Chaudas 2021: હિન્દુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. તેને અનંત ચૌદસ પણ કહે છે. ચાલુ વર્ષે આ તિથિ 19 સપ્ટેમ્બરના રોજ આવે છે. અનંત ચૌદસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે તથા અનંત સૂત્ર બાંધે છે. અનંતસૂત્ર કપડાં કે રેશમનું બનેલું હોય છે અને તેમાં 14 ગાંઠ હોય છે. માન્યતા છે કે અનંત ચતુર્દશીએ ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર બાંધવાની તમામ અડચણોમાંથી મુક્તિ મળી જાય છે.


અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રીગણેશની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરે છે.


અનંત ચૌદસ પૂજા મુહૂર્ત


અનંત ચતુદર્શીએ શુભ મુહૂર્ત સવારે 6.07 મિનિટે શરૂ થશે, જે આગલા દિવસ 20 સપ્ટેમ્બર સવારે 5.30 કલાક સુધી રહેશે. અનંત ચતુર્દશી પર પૂજા માટે શુભ મુહૂર્તનો કુલ સમય 23 કલાક 22 મિનિટ સુધી રહેશે.


બની રહ્યો છે આ યોગ


પંચાગ અનુસાર વર્ષ 2021માં અનંત ચૌદસનું પર્વ 19 સપ્ટેમ્બર શનિવારે મનાવાશે, જ્યોતિષ ગણના મુજબ આ દિવસે મંગળ, બુધ અને સૂર્ય એક સાથે કન્યા રાશિમાં વિરાજમાન હશે. ત્રણેય એક સાથે હોવાના કારણે મંગળ બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ધાર્મિક માન્યતા છે કે આ વિશેષ યોગમાં ભગવાનની પૂજા કરવા પર વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.


માન્યતા છે કે આ મુહૂર્તમાં પૂજા કરવાની ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેમના તમામ પ્રકારના પાપ તથા સંકટ નાશ પામે છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપરાંત ભગવાન ગણેશનું વિસર્જન પણ કરવામાં આવે છે.  તેથી અનંત ચતુદર્શીનું મહત્વ અનેક ગણું વધી જાય છે.