ધર્મઃ આજે ધનતેરસની ઉજવણી આખા દેશમાં મનાવવામાં આવશે. ધનતેરસ કાર્તિક કૃષ્ણ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ધ મંથન દરમિયાન અમૃતનો કળશ લઇને ધન્વંતરી પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવતાઓના વૈધ પણ છે. સ્વાસ્થ્ય રક્ષા અને આરોગ્ય માટે આ દિવસે ધન્વંતરી દેવની ઉપાસના કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ-સમૃદ્ધિ અને ધનના યોગનું પર્વ માનવામાં આવે છે.
આ દિવસોમાં ઘરને સાફ સફાઈ કરીને રાખવું. તેમજ સાંજના સમયે મા લક્ષ્મી પૂજા-અર્ચના કરવામાં આવે છે. દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે લોકો મૂલ્યવાન ધાતુ જેવી કે નવા વાસણો અને ઘરેણાની ખરીદી કરે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ ખરીદે છે. જેથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ આખા વર્ષ દરમિયાન ધન અને અન્નની અછત રહે નહીં.
ધનતેરસની ખરીદીનું મૂહર્ત શું છે?
-ધનતેરસના દિવસે ખરીદી માટે બે મૂહર્ત વિશેષ શુભ રહેશે.
-બપોરે 01:11થી 02 43 સુધી કુંભ લગ્ન
-સાંજે 0549 થી 0746 સુધી વૃષ લગ્ન
ધનતેરસના દિવસે કઇ રીતે પૂજા કરવામાં આવે છે
-સાંજના સમયે ઉત્તર તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરો.
-બાદમાં બંન્ને સમક્ષ એક ઘીનો દીવો પ્રગટાવો.
-કુબેરને સફેદ મીઠાઇ અને ધન્વંતરીને પીળા રંગની મીઠાઇ ચઢાવો.
- પ્રથમ ॐ ह्रीं कुबेराय नमःનો જાપ કરો.
-બાદમાં "धन्वन्तरि स्तोत्र"નો પાઠ કરો.
-બાદમાં પ્રસાદ ગ્રહણ કરો.
-પૂજા બાદ દિવાળી પર કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને પૂજા સ્થાન પર સ્થાપિત કરો.
ધનતેરસના દિવસે શું ખરીદી કરવી જરૂરી છે?
-ધાતુનું વાસણ, જો પાણીનું વાસણ હોય તો ખૂબ સારુ રહેશે.
-ગણેશ- લક્ષ્મીજીની મૂર્તિઓ, બંન્ને અલગ અલગ હોવી જરૂરી છે.
- અંકોનો બનેલું ધનનું કોઇ યંત્ર ખરીદો.
ધનતેરસના દિવસે શું કરવું જોઇએ અને કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ
-આ દિવસે ફક્ત કુબેરની પૂજા ના કરો. ધન્વંતરી દેવતાની ઉપાસના પણ જરૂરી છે.
-આ દિવસે સોનું, પીતળ, ચાંદી અથવા સ્ટીલની ખરીદી કરો.
-દિવાળી માટે ગણેશજી-લક્ષ્મીજીની મૂર્તિઓ અને અન્ય પૂજન સામગ્રી પણ આ દિવસે ખરીદો.
-ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાનું ટાળો.
-આ દિવસે થોડું દાન પણ કરવું જોઇએ અને આ દાન ગરીબોમાં કરો તો વધુ સારું છે.