(પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી – ચંપારણ્ય, અમરેલી, કાંદિવલી, અમદાવાદ, સુરત)


Diwali 2022, Solar Eclipse: આ વર્ષે આસો વદ અમાસ, મંગળવાર, તા. 25 ઓક્ટોબરના દિવસે ગ્રસ્તાસ્ત ખંડગ્રાસ સૂર્યગ્રહણ થઈ જવા રહ્યું છે, જે સમગ્ર ભારત વર્ષમાં દેખાશે. એટલા માટે હિન્દુ માત્રએ આ ગ્રહણ પાળવાની આવશ્યકતા છે. પુષ્ટિમાર્ગ વૈદીક માર્ગ છે અને વેદ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. પુષ્ટિમાર્ગમાં શ્રીમહાપ્રભુજીએ સંપૂર્ણ આચરણ પ્રણાલી વૈદિક પદ્ધતિ અનુસાર આપણું સ્વાસ્થ્ય શુદ્ધિકરણ, પવિત્રતા વગેરેને લક્ષમાં રાખીને બનાવી છે. જે વ્યક્તિ પૂર્ણ રીતે આચાર વિચારનું પરિપાલન કરે, જેના ઘરમાં ધર્મનું આચરણ થાય તેના ઘરમાં દરેક પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત થાય અને સ્વયં પ્રભુ પણ એના ઘરમાં બિરાજે. જેના ઘરમાં ધર્મનો લોપ થઈ જાય અને આચાર-વિચારનું પાલન ન થાય ત્યાં પ્રભુ પણ ન બિરાજે તથા અનેક પ્રકારના ઉપદ્રવ થાય. આપણે ધર્મનું પાલન કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. એટલા માટે પ્રત્યેક વૈષ્ણવ માટે આવશ્યક છે કે શ્રી મહાપ્રભુજીની મેંડ મર્યાદા અનુસાર આચાર-વિચારનું પાલન કરવું. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ગ્રહણ પાળવું આવશ્યક છે. કેમકે પૃથ્વી સાથે સૂર્ય ચંદ્રની યુતિ થાય ત્યારે ગ્રહણના સમયમાં અનેક પ્રકારના ઝેરીલા વાયરસ, વિષાણુઓ વાતાવરણમાં પ્રવેશ કરે છે અને માણસને જીવ માત્રને ખૂબ જ હાનિ પહોંચાડે છે. એટલે ગ્રહણમાં ખાન-પાન તો બિલકુલ ન કરવુ અને ગ્રહણ પૂર્ણ રૂપે પાળવું જોઈએ.


ગ્રહણ લાગતાં પહેલા શું શું તૈયારીઓ કરવી ?



  • અમાવસ્યાનું ગ્રહણ છે એટલા માટે ઉત્સવ બધા એક એક દિવસ આગળ થશે. ધનતેરસના દિવસે રૂપચૌદશના સિંગાર થશે. રૂપચૌદશના દિવસે ચૌદશ અને દિવાળીના અભ્યંગ સાથે થશે અને દિવાળીનો દીપોત્સવ, હટડી આદિ સંપન્ન થશે, આસો વદ અમાસ દિવાળીના દિવસે 25 તારીખે સૂર્યગ્રહણ છે માટે પૂર્વમાં બધી તૈયારી કરી લેવી.

  • દૂધ ઘર, અનસખડીની જેટલી સામગ્રી હોય તે બધી પ્રભુને સવારમાં ધરી દેવી. કેમકે સિદ્ધ કરેલી સામગ્રી છોવાઈ જાય છે, ઠાકોરજીનો પ્રસાદ છોવાતો નથી. ઠાકોરજીનો મહાપ્રસાદ, દૂધઘર આદિને કંતાનથી ઢાંકી દેવું.

  • વાપરેલું તેલ, ઘી કાઢી પાત્રો કોરા કરી દેવા. ગ્રહણ પહેલા ફ્રીજ પણ ખાલી કરીને કોરું કરી દેવું. જે વસ્તુઓ ઉપયોગમાં લીધેલી હોય તે છોવાઈ જાય એટલે કાઢી નાંખવી.

  • ગ્રહણ છૂટ્યા પછી અપરસમાં ધોયેલા કપડાં ન ચાલે માટે રેશમી કે કોરા વસ્ત્ર અપરસ માટે તૈયાર રાખવા.જેટલા પણ કપડાં,ચાદર આદિ હોય તે ધોવામાં નાંખી દેવા.

  • ગ્રહણમાં સિદ્ધ કરેલી પુષ્પની માળામાં દોરો હોય એટલા માટે છોવાઈ જાય. ગ્રહણ મોક્ષ પછી ઠાકોરજીની સેવામાં ધરવામાં માળાની આવશ્યકતા હોય એટલે પુષ્પ સોયમાં પરોવી રાખવા, દોરામાં ન પરોવી રાખવા. ગ્રહણ છૂટ્યા પછી એ માળાને દોરામાં ઉતારીને માળાજી સિદ્ધ કરવા.

  • ચાર. પાપડ, વડી સેવા આદી હોય એ ન છોવાય. એ બધા પર કંતાન ઢાંકી દેવું.

  • ઘરમાં આપણે કાચી સામગ્રી રાખતા હોઈએ એ રૂમ કે સ્ટોર રૂમનો ઉપયોગ ન કરવાનો હોય તેને બહારથી સાંકળથી બંધ કરી તેના પર દર્ભ મૂકી દેવો.

  • ગ્રહણના દિવસે સવારથી શ્રીઠોકરજીની બધી સફેદી ગાદી વસ્ત્ર, મુખ વસ્ત્ર આદી કોરા ચઢાવી દેવા. ધોયેલા વસ્ત્રોને ગ્રહણ મોક્ષ પછી ફરીથી ખાસા કરવા.




સેવાનો પ્રકાર


જે વૈષ્ણવો ઠાકોરજીને એક સમયની સેવા પહોંચે છે, જે લોકોને જોબ કરવા કે કોઈ કારણોસર બહાર જવાનું હોય અને સાંય કાલે ઠોકરજીને ન જગાડી શકતા હોય તેમણે એટલું તો કરવું કે ગ્રહણ લાગતાં પહેલા રેશમી વસ્ત્રોથી શૈયાજી પાસેથી ઝારીજી, બંટાજી સરાવી લેવા. ખાસા કરી, કોરા કરીને ઉંધા કરી દેવા, ગ્રહણ મોક્ષ થયા પછી ઠોકરજી સ્વયં ધર્મી સ્વરૂપ છે, ધર્મનું પાલન કરે એટલે શુદ્ધિ કરણ વગર ઠાકોરજી પણ જલ ન આરોગે. છતાંય પુષ્ટિમાર્ગમાં બાલભાવની સેવા છે. બાલકને પરિશ્રમ થાય અને પ્રભુને ઈચ્છા થાય તો ગ્રહણ મોક્ષ પછી ઝારી, બંટા ભરીને શૈયાજીથી દૂર પધરાવી દેવા, સવારે ઠાકોરજીને જગાડ્યા પછી પ્રથમ પ્રભુને સ્નાન કરાવવું. શુદ્ધ જલથી ઝારીજી, બંટાજી ભરી પછી પ્રભુને મંગલ ભોગ અને પરિશ્રમ ભોગ સાથે ધરવો.


જે વૈષ્ણવો દૂધ ઘર સુધીની સેવા પહોંચતા હોય તેમણે પરિશ્રમ ભોગમાં દૂધ ઘર ધરી શકાય. સખડી ભોગ સુધીની સેવા પહોંચતા તેમણે પરિશ્રમ ભોગમાં શીરો આદિ ધરવા. જ્યાં સુધી રાજભોગની નવી સામગ્રી સિદ્ધ થાય ત્યાં સુધી પરિશ્રમ ભોગ રહે. પરિશ્રમ ભોગ સરાવ્યા પછી ગૌગ્રાસમાં આપી દેવું. એ પછી મંગળાથી સેવાનો ઠાકોરજીનો ક્રમ પહોંચવો. જે વૈષ્ણવો બે સમય સેવા પહોંચે છે, નંદાલયમાં સેવાનો જે પ્રકાર છે, આસો વદ અમાસ, મંગળવાર, તા.25ના રોજ રોજભોગ આદિના સેવા વહેલાસર પહોંચી પ્રભુને અનોસર કરાવવા.


ક્યાં સુધી જલપાન, ફળાહાર થઈ શકશે


ગ્રહણનો વેદ સવારે 4.49 મિનિટથી લાગે છે, એટલે આ સમય સવારે આટલા વાગ્યા સુધી ભોજન લઈ શકાશે તે બાદ નહીં લઈ શકાય. 25 તારીખે ગ્રહણ હોવાના કારણે બપોરે 12.29 મિનિટ સુધી જલપાન અને ફળાહાર થઈ શકશે. વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ બપોરે 12.49 સુધી ભોજન લઈ શકશે.


આ ગ્રહણ ગ્રસ્તાસ્ત છે. સૂર્ય ગ્રસ્તમાં જ અસ્ત થતો હોવાથી બીજા દિવસે સૂર્યોદર સુધી તેનો વેદ લાગશે. તેથી બુધવારે સૂર્યોદય પછી ભોજન આદી લઈ શકાશે. એ પહેલા મહાપ્રસાદ નહીં લઈ શકાય. ઠાકોરજીની રાજભોગ સુધીની સેવા વહેલા પહોંચી અનોસર કરાવવા. રાજભોગની સખડી ગૌગ્રાસમાં જશે. બપોરે 3 કલાકે પ્રભુને ઉત્થાપન કરાવી, પ્રભુના શ્રીંગાર વડા કરી, ઝારી બંટા સરાવી ઠાકોરજીની સન્મુખ સુકામેવાનો ડબરો ભોગ ધરવો. ગ્રહણ લાગવાની સાત-આઠ મિનિટ પહેલા સુકામેવાનો ડબરો સરાવી લેવો, પ્રભુને ગ્રહણમાં બિરાજમાન કરાવવા, ગ્રહણ લાગવાના એક મિનિટ પહેલા. નાથદ્વારાની ટિપણી અનુસાર 4.35 મિનિટે ગ્રહણ લાગે છે અને મુંબઈની ટિપણી અનુસાર ગ્રહણનો સ્પર્શ 4.49 મિનિટે થાય છે, તેથી સ્થાન અનુસાર ગ્રહણનો સ્પર્શ ગણવો. પ્રભુની સન્મુખ માનલીલાના પદો ગાવા, ગ્રહણના સમયમાં જપનું વિશેષ મહત્વ છે. શ્રીમહાપ્રભુજીએ આપણને સર્વોપરી અષ્ટાક્ષર મહા મંત્ર આપ્યો છે.  અષ્ટાક્ષરની માળા ગૌમુખીમાંથી બહાર કાઢવી નહીં, બહાર કાઢવાથી છોવાઈ જાય. એટલા માટે ખોળામાં રાખી વસ્ત્રથી ઢાંકી માળા કરવી,.


જે વૈષ્ણવને નરસિંહજીના કે ગોપાલજીના મંત્રની દીક્ષા પ્રાપ્ત થઈ હોય તેમણે તે મંત્રની માળા પણ કરવી જોઈએ. પાઠ કરવા હોય તો નારાયણ કવચના કે પુરુષોત્તમસહસ્ત્ર નામના થઈ શકે. ગ્રહણમાં જપનું વિશેષ મહત્વ હોવાથી જેટલો થાય તેટલું ભગવદ નામનો જપ કરવો.  મધ્યના સમયમાં ઠાકોરજીની સન્મુખ લાલ વસ્ત્રમાં આખા મગ અને કાચા ચોખાની ખીચડી કરી દુનામાં લીંબુ, આદું, મીઠું પધરાવી પોટલી બાંધવી અને કાંસાની વાટકીમાં ઘી પધરાવી તેમાં દક્ષિણાના રૂપમાં રૂપિયાના સિક્કા પધરાવી પ્રભુની સન્મુખ દાનનો સંકલ્પ કરવો અને દાન બહાર પધરાવી દેવું. ત્યારબાદ વૈષ્ણવો પાતરનો ડબરો બનાવી તેમાં આખા મગ અને ચોખાની ખીચડી પધરાવી, દોનામાં આદું, લીંબુ, મીઠું પધરાવીને કાંસાની વાટકીમાં ઘી ભરી તેમાં દક્ષિણાના રૂપિયા પધરાવી સંકલ્પ લઈ પોતાનું મુખ જોઈને દાન કરવું અને વિશેષ સંખ્યામાં ભગવદ નામ લેવું. મુંબઈ સમય અનુસાર ગ્રહણનો મોક્ષ સાંજે 6.29 મિનિટે થાય છે અને નાથદ્વારાની ટિપણી અનુસાર પણ સાંજે 6.29 મિનિટે ગ્રહણનો મોક્ષ થાય છે. ગ્રહણના મોક્ષી ચાર-પાંચ મિનિટ પછી ઠાકોરજીને ટેરા લેવા. સ્નાન કરી, શુદ્ધ થઈ, જનોઈ-કંઠી બદલવા. ત્યારબાદ ઠાકોરજીને સૌથી પ્રથમ સ્નાન કરાવી અને હાંડામાં જલ ભરીને ઠાકોરજીના ઝારીજી આદી ભરવા. શ્રીનવનીતપ્રિયાજીની પ્રણાલિકા અનુસાર અને અમરેલી ઘરની પ્રણાલિકા અનુસાર આ ગ્રહણ ગ્રસ્તાસ્ત હોવાથી ઠાકોરજીને શયનમાં સખડી ભોગ નહીં આવે, અનસખડીની થૂલીનો થાળ સરાશે. અનસખડી ભોગ શયનમાં આવશે, જ્યાં સુધી સામગ્રી સિદ્ધ ન થાય ત્યાં સુધી એ પરિશ્રમ ભોગ રહે, ત્યારપછી પરિશ્રમ ભોગ, શયન ભોગ બધો ગૌગ્રાસમાં ચાલ્યો જશે. વૈષ્ણવોએ માત્ર ફળાહાર કરવો અને પછી શયન સુધીની સેવા પહોંચી ઠાકોરજીને પોઢાડવા. બીજે દિવસે પ્રાતઃકાલે અપરસમાં સ્નાન કરી પવિત્ર થઈ ઠાકોરજીને જગાડવા અને શુદ્ધ સૂર્યબિંબના દર્શન કર્યા પછી પવિત્ર થવાય. માટીના નવી મટલી. પાત્રા આદીમાં જલ ભરવું અને નિત્યક્રમ મુજબ ઠાકોરજીની સેવા પહોંચવી. ત્યારપછી વૈષ્ણવો મહાપ્રસાદ, સખડી લઈ શકશે. દહીં છોવાતું નથી. એટલે ગ્રહણ પહેલા કોરી માટીની મટકી લઈ તેમાં દહીં ભરવું અને માટીના પાત્રમાં માખણ ભરી તેના પર ઢાંકી રેશમી કંતાનના વસ્ત્રથી બાંધી ઊંચે શિકા પર ચડાવી દેવું. કેમકે બીજા દિવસે ઠાકોરજીને ભોગમાં દહીની આવશ્યકતા પડે છે. ગ્રહણ છૂટ્યા પછી સ્નાન આદી કર્યા બાદ એ દહીંને બીજા પાત્રમાં પધરાવી એ  માટીના પાત્રોને કાઢી નાંખવા. માટીના બધા પાત્રો ગ્રહણમાં છોવાઈ જાય છે, આટલું વૈષ્ણવોએ વિશેષ ધ્યાન રાખવું. જે લોકો ભલે એક સમય સેવા કરતા હોય તેમણે ગ્રહણમાં પ્રભુને જગાડવા ઉત્તમ પક્ષ છે. અનિવાર્ય સંજોગોવશાત ન જગાડી શકીએ તો પોઢાડી રાખીને પણ ઉપરમુજબ સેવાનો ક્રમ પહોંચવો. નહીંતર ગ્રહણ પહેલા પ્રભુને જગાડી જે મુજબ બતાવ્યું તે પ્રમાણે સેવાનો સંપૂર્ણ ક્રમ પહોંચવો. વૈષ્ણવોએ ગ્રહણનો આચાર પાળવો ખૂબ ઉત્તમ છે અને પાળવાનો આગ્રહ રાખવો જોઈએ. નવી પેઢીને પણ આ દરેક વસ્તુ વૈજ્ઞાનિક ઢબે સમજાવવી જોઈએ, જેથી આપણા બાળકો પણ ધર્મનું આચરણ કરતાં થાય.