Ganesh Chaturthi: 2021: ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ કાર્યની સફળતા માટે પહેલા મંગલાચરણ કે પૂજ્ય દેવોની વંદન કરવાની પરંપરા છે. કોઈપણ કાર્યને નિર્વિધ્ન સંપન્ન કરવાના હેતુથી સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમને બુદ્ધિદાતા પણ કહેવાય છે અને કોઈપણ કામની શુભ શરૂઆત તેમનું નામ લઈને જ કરવામાં આવે છે. હાથીનું માથું હોવાના કારણે તેમને ગજાનન પણ કહેવામાં આવે છે.


ગણેશોત્સવ ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થાય છે. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી તરીકે દેશ વિદેશમાં ઉજવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે તેમનો જન્મ થયો હતો. ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી તા. 10 સપ્ટેમ્બર, 2021ના રોજ છે.


હાથી જેવું માથું અને મોટું પેટ ગણપતિની ઓળખ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કાઈપણ કામની શરૂઆત કરતાં  પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ગણપતિની નીચેની પાંચ વસ્તુઓ ખૂબ પ્રિય છે.


1.મોદકઃ ભગવાન ગણેશનું વાહન ઉંદર જોઈને જ ખ્યાલ આવી જાય કે તેમને સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઈ ખૂબ પસંદ છે. જો તમારે ગણપતિની કૃપા મેળવવી હોય તો ગણેશ ચતુર્થીએ બાપ્પાને મોદક અર્પણ કરવાનું ન ભૂલતા. ગણેશ ચતુર્થી ચૂકી જવાય તો ગણેશોત્સવમાં ગમે ત્યારે કરી શકાય છે.


2. ગેંદા ફૂલ (હજારીનું ફૂલ) ગણેશોત્સવ દરમિયાન ઘણા લોકો ગણેશ સ્થાપન બાદ તેમના ગળામાં લાલ કે પીળા રંગના હજારીના ફૂલથી બનેલી માળા ચઢાવે છે. ગણેશજીને હજારીનું ફૂલ ખૂબ પસંદ છે. તેથી તેમના ગળામાં રહેલી માળા હમેશા હજારીના ફૂલની હોય છે.


3. ધરોઃ આ ઘાસને પસંદ કરવા પાછળની એક કથા છે. એકવાર દાનવ દેવતાને પરેશાન કરતા હતા. ત્યારે ભગવાન ગણેશ તે દાનવને સ્વાહા કરી ગયા, પરંતુ દાનવ પેટમાં જઈને હજમ થવાનું નામ નહોતો લેતો. તેના પરિણામે ભગવાન ગણેશને ખૂબ જ દર્દ થતું હતું. ત્યારે કેટલાક સંતોએ તેમના પર ધરો (દૂર્વા) ઘાસની વર્ષા કરી, જેના કારણે તેમના પેટમાં ઠંડક થઈ. આ ઘટના બાદ ભગવાન ગણેશજીને ધરો ધૉઘાસ અત્યંત પ્રિય થઈ ગયું.


4. શંખઃ ગણેશજીને ચાર હાથ છે. જેમાં એક હાથમાં શંખ છે. ગણેશજીને શંખનો અવાજ ખૂબ પસંદ છે. તેથી લોકો આરતી સમયે હંમેશા જોરજોરથી શંખ વગાડે છે. એવું કહેવાય છે કે શંખના અવાજથી દુષ્ટ આત્માઓ દુર થઈ જાય છે.


5. કેળા અને નાળિયેરઃ ભગવાન ગણેશનું માથું હાથીનું છે. તેથી તેમને હાથીને જેમ કેળા ખાવા ખૂબ પસંદ છે. તેમની મૂર્તિની ચારે બાજુ કેળાના પાન અને નાળિયેરની સજાવટ કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થી પર આ મેસેજ મોકલીને પાઠવો શુભકામના