Ganesh Chaturthi 2022: 31 ઓગસ્ટ 2022 અને બુધવારના રોજ ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવવામાં આવશે. ગુજરાતના મોટા શહેરો સહિત રાજ્યભરમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને 10 દિવસ માટે ગણેશ ઉત્સવ ઉજવાશે. ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં થતી જોવા મળી હતી. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ઘરોમાં સ્થાપના કરવા માટે પણ ભક્તો ખાસ શણગાર કરતા હોય છે. 


ગણેશ ચતુર્થી 2022 શુભ યોગ


31મી ઓગસ્ટ 2022, બુધવારે સવારે 06:06 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે.


આ 10 દિવસ દરમિયાન ગણપતિ બાપ્પાની પૂજા આરતી કરવામાં આવશે અને ગણપતિને ભાવતા ભોજનથાળ ધરવામાં આવશે ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ ગણપતિના 5 પ્રિય ફળ. તમે પણ આ ફળનો થાળ ધરીને ગણપતિના આશિર્વાદ મેળવી શકો છો.


ગણપતિના 5 પ્રિય ફળ


કેળા - કેળા ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણેશજીની પૂજામાં ક્યારેય એક કેળું ન ચઢાવો. કેળા હંમેશા જથ્થામાં ચઢાવવા જોઈએ.
કાળા જાંબુ - ગણપતિજી બુદ્ધિના દાતા છે. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની પૂજામાં કાળા જાંબુ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.
બિલી - ભગવાન ભોળાનાથની જેમ ગણપતિજીને પણ બિલીનું ફળ ગમે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને બિલીનું ફળ અર્પણ કરવાથી તેમનું વિશેષ વરદાન પ્રાપ્ત થાય છે.
સીતાફળ - સીતાફળને શરીફા પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તાને સીતાફળ અર્પિત કરવાથી બધી અશુભ વસ્તુઓ દૂર થાય છે.
જામફળ - ગણેશ સ્થાપના સમયે જામફળનું પણ વિશેષ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે જામફળ ચઢાવવાથી ગણેશ ભક્તની તમામ પરેશાનીઓ દૂર કરે છે.


ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મુહૂર્ત


ગણેશ સ્થાપના મુહૂર્ત - સવારે 11.05 - બપોરે 1.38 (31 ઓગસ્ટ 2022)


વિજય મુહૂર્ત - 2.34 - 3.25 pm (31 ઓગસ્ટ 2022)


અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)


સંધિકાળ મુહૂર્ત - 6.36 - 7.00 pm (31મી ઓગસ્ટ 2022)


અનંત ચતુર્દશી ક્યારે છે?


પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા સુદ ચોથથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ વખતે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.