વચનામૃતઃ જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય-અમરેલી)


સનામી દરબાર કરીને સિંધીઓનું ધર્મસ્થાન છે. છેલ્લા થોડાં વર્ષોથી ત્યાં બહુ સુંદર ડેલવોપમેન્ટ થયું છે. અવારનવાર તેઓ બધા ચંપારણ્ય દર્શન કરવા આવે. એકવાર તેઓએ વિનંતી કરીકે સેકડો એકરમાં અમે ડેવલોપમેન્ટ કર્યું છે. બગીચાઓ છે, મંદિર છે, જાતજાતના સ્ટેચ્યુ મૂક્યા છે, અમારા સંત-ગુરુઓના નિવાસ સ્થાન છે, ભક્તોના નિવાસ સ્થાન છે. એ લોકોની વિનંતી કે રાયપુર જતા આવતા આપ પધારો અને જુઓ ને કઈંક માર્ગદર્શન આપો. સમય મળે ત્યારે આવીશ એમ મે કીધું,


એકવાર રાયપુર જતા વચ્ચે એ સ્થાન આવ્યું અને સમય પણ મારી પાસે છે એટલે કહ્યું જતા આવીએ. અમે ત્યાં ગયા એટલે તે લોકો રાજી થયા. મને તેમનું આખું સ્થાન બતાવ્યું. મને એ લોકો એમના સંત નિવાસ એટલેકે તેમના ગુરુ આવીને ઉતરે તેમાં મને લઈ ગયા. બહુ સુંદર બધી વ્યવસ્થા. ત્યાં મેં જોયું કે સિંહાસન પર તેમના ગુરુનું ચિત્ર હતું અને એર કન્ડિશનર ચાલું હતું. બહાર 45 ડિગ્રી ટેમ્પરેચર તપે, ચૈત્ર મહિનાની ઉનાળાની લૂ, અંદર એકદમ શિયાળા જેવી ઠંડક. મેં વિચાર્યું કે એમના ગુરુ આવ્યા હશે. મેં પૂછ્યું કે તમારા ગુરુજી હમણાં પધાર્યા લાગે છે, રૂમમાં એર કન્ડિશનર ચાલું છે. તેમણે કહ્યું મંદિર બનાવ્યા પછી અમારા ગુરુ તો માત્ર એક જ વાર અહીંયા પધાર્યા છે, પણ આ ગુરુનું ચિત્ર બિરાજે છે તે પણ અમારા માટે પ્રગટ ગુરુદેવનું સ્વરૂપ છે. અમે વારાફરતી 24 કલાક એર કન્ડિશન ચાલું રાખીએ છીએ. અમારા ગુરુના ચિત્રને પરિશ્રમ પડે તો પણ અમારો ધર્મ જાય એટલા માટે આ વ્યવસ્થા અમે અહીંયા રાખી છે. ખરેખર મને અહોભાવ થઈ ગયો. ચિત્ર બિરાજે છે છતાં તેમાં પ્રભુનું પ્રગટ સ્વરૂપ માની કેટલી ઉત્તમ ભાવના તેમાની રહેલી છે.


આપણી ભાવના શુદ્ધ હોય તો ગુરુની કૃપા દૃષ્ટિ દ્વારા જીવનો ઉદ્ધાર થઈ શકે છે. તેથી ગુરુના સ્વરૂપમાં અને વચનમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. વચન અને વિશ્વાસથી ગુરુએ નહીં આપેલી વિદ્યા પણ સેવક પ્રાપ્ત કરી શકે છે. ગુરુના વચનમાં જો વિશ્વાસ ન હોય ગમે તેટલા ભાવથી ગુરુ આપણને શિક્ષા-દીક્ષા આપે તો તે દીક્ષા ફલિત થતી નથી. મહાભારતનો એકલવ્યનો પ્રસંગ યાદ કરો.


ભીલ બાળક દ્રોણાચાર્ય પાસે ધર્નુવિદ્યા શીખવા આવ્યો. દ્રોણાચાર્યે તેની પરીક્ષા કરી અને લાગ્યું કે, આ બાળક બહુ તેજસ્વી છે અને અર્જુનથી પણ આગળ નીકળશે. તેથી દ્રોણાચાર્યએ કહ્યું હું બ્રાહ્મણ કુળનો અને ક્ષત્રિયનો ગુરુ છુ, રાજ્યકુળનો ગુરુ છું અને તું ભીલ બાળક છે. મારાથી તને આ વિદ્યા ન શીખવાડાય. પણ એકલવ્ય નિરાશ થયો નથી. એ તો મનથી દ્રોણાચાર્યને ગુરુ માની ચૂક્યો હતો. જંગલમાં આવી માટીની દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી તેમાં પ્રત્યક્ષ ગુરુ ભાવ રાખી ધર્નુવિદ્યા શીખવાનો પ્રારંભ કર્યો. તમે જુઓ શ્રદ્ધામાં કેટલી તાકાત છે કે જે વિદ્યા ગુરુએ પ્રત્યક્ષમાં ન આપી તે કેવળ ગુરુની પ્રતિમામાં ગુરુભાવ રાખીને એકલવ્ય આત્મસાત્ કરી ગયો છે. પછી ગુરુદક્ષિણામાં એકલવ્યનો અંગુઠો માંગી લીધો તે ભગવાનની લીલા હતી અને તે પાછળ અનેક કારણો પણ છે. શ્રદ્ધામાં એ તાકાત છે કે ગુરુએ પ્રત્યક્ષમાં નહીં આપેલી વિદ્યા પણ એ આત્મસાત કરી ગયો છે.


એમ આપણે પણ જો શ્રી વલ્લભના સ્વરૂપમાં આપણી દૃઢતા હોય, સ્થિરતા હોય અને શ્રીવલ્લભના વચનમાં વિશ્વાસ હોય તો શ્રીવલ્લભની કૃપાથી સિદ્ધાંતો, ગ્રંથો આપણને સહેજમાં હૃદયારૂઢ થઈ શકે છે. જીવનમાં પુષ્ટિમાર્ગ ઉતરી જાય અને પ્રભુની પુષ્ટિનો પણ આપણને ચોક્કસ અનુભવ ઉભો થાય. કારણકે તેની બાહેધરી શ્રીવલ્લભ આપણને સ્વયં આપે છે. એટલા માટે ગુરુપૂર્ણિમાના અવસર પર આપણે સૌ આપણા પુષ્ટિમાર્ગના આચાર્ય જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યના ચરણોમાં વંદન કરીએ અને હૃદયમાં એવો ભાવ રાખીએ, નિષ્ઠા રાખીએ કે આપણો ગુરુભાવ દૃઢ થાય. જીવનમાં આપણે ગુરુને ભગવતતુલ્ય સ્થાન આપીએ અને આપણે સૌ ગુરુના, શ્રીવલ્લભના કૃપાપાત્ર બનીએ. એમની કૃપાથી આપણને શ્રીઠાકોરજીની કૃપાનો અનુભવ થશે. જો ગુરુને સાઈડમાં રાખીને બાયપાસથી ઠાકોરજી સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો તો ઠાકોરજી ક્યારેય પ્રસન્ન થવાના નથી. હું ઘણીવાર કહેતો હોઉ છું કે આપણા શ્રીજીબાવા વામ શ્રીહસ્ત ઉંચો રાખીને પોતાના ભક્તોને પોતાના શરણમાં બોલાવે છે. સામાન્ય રીતે આપણે કોઈને બોલાવીએ ત્યારે હાથ તેની તરફ રાખીને બોલવીએ છીએ, જ્યારે શ્રીજીબાવા ડાબો શ્રીહસ્ત વાળીને પોતાની પાસે બોલાવે છે. તેની પાછળનો ભાવ છે કે વામ અંગ શ્રીસ્વામીનીજીનું અંગ છે અને શ્રીવલ્લભ સ્વયં શ્રીસ્વામીનીજી સ્વરૂપ છે. શ્રીજીબાવા કહે છે કે તમે મારા ભક્તો મારી પાસે આવો પણ શ્રીવલ્લભના માધ્યમથી, શ્રીવલ્લબના શરણમાં થઈ મારી પાસે આવશો તો મારા શરણમાં તમારું આશ્રય સ્થાન સુરક્ષિત છે. સીધેસીધા આવશો તો હું તમને ઓળખવાનો નથી. એટલા માટે શ્રીવલ્લભની કૃપાથી આપણે ઠાકોરજી સુધી પહોંચી શકીએ છીએ. શ્રીઆચાર્ય ચરણના શ્રીવલ્લભના કૃપા પાત્ર બનીએ. તેમના આદર્શને, આજ્ઞાને આપણે સૌ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ શ્રીવલ્લભની કૃપાથી ચોક્કસ ઠાકોરજીની કૃપા થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુરુ પૂર્ણિમાના ઉત્સવની આપ સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ.


(સંકલનઃ મયૂર બી ખૂંટ)