Guru Prinima Vachnamrut by Goswami 108 Shri Dwarkeshlalji Maharajshree Amreli: આજે વ્યાસ પૂર્ણિમા છે. આજના દિવસનો સંબંધ મહર્ષિ વેદ વ્યાસ સાથે છે.  વ્યાસજીએ જ્ઞાનનો જે દીપક પ્રજવલિત કર્યો છે તે આજદિન સુધી વ્યાસપીઠના માધ્યમથી દૈદિપ્યમાન છે. તેથી વ્યાસજીને વિશ્વના ગુરુ માનવામાં આવ્યા છે. વ્યાસ પૂર્ણિમાનો આ દિવસ આપણા ગુરુદેવને વંદન કરવાનો દિવસ છે. આપણા ગુરુદેવનું ઋણ ચૂકવવાનો, અભિવંદના કરવાનો દિવસ છે.


ગુરુ શબ્દમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન, ખજાનો છૂપાયેલો છે


ગુરુના આપણા પર અનેક ઉપકાર છે. અનંત જન્મો સુધી આપણે તેમનું ઋણ ચૂકવી ન શકીએ. ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથી. ગુરુ શબ્દમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન, ખજાનો છૂપાયેલો છે. ગુરુ એટલે અંધકારને દૂર કરનારા. વ્યક્તિના જીવનમાં બે પ્રકારના અંધકાર હોય છે. એક હોય છે અજ્ઞાનતાનો અંધકાર અને બીજો હોય છે માતાના ઉદરના ગર્ભનો અંધકાર, કહેવાય છે અજ્ઞાની અને અંધ બંને સમાન છે. બંનેને હાથ પકડીને રસ્તો બતાવનારા કોઈ જોઈએ ત્યારે જ તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. આપણા જીવનમાં અજ્ઞાનતાનો એવો અંધકાર છવાયો છે કે સર્વત્ર બ્રહ્મ હોવા છતાં પણ અજ્ઞાનતાના આવરણમાં આપણને પ્રભુનો અનુભવ થતો નથી. ગુરુ જ્ઞાનની જ્યોતિથી આપણા જીવનને પ્રજવલિત કરે છે. જે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે તેને જ ગુરુ કહેવાય.




મંગલાચરણનો શ્લોક પણ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે


બીજો હોય છે માતાના ઉદરનો અંધકાર. જીવ માતાના ઉદરમાં ગર્ભ સ્વરૂપે આવે છે, જન્મ લે છે, જીવન જીવે છે અને મૃત્યુ પામે છે ફરી માતાના ઉદરમાં આવે છે. જન્મ અને મરણનું પરિભ્રમણ સતત ચાલતું રહે છે. પોતાના જ્ઞાન દ્વારા માતાના ઉદરના અંધકારથી આપણને મુક્ત કરીને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જાય, જીવનના તમામ અંધકાર દૂર કરે તેને જ ગુરુ કહેવાય. સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા કહેવામાં આવી છે,જેમાં 300થી વધારે શ્લોક છે. સ્વયં શિવજીએ તેમના મુખથી ગુરુનું માહાત્મ્ય પ્રગટ કર્યુ છે. તેમાં પણ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાનનો નાશ કરનારા, તેજ રૂપ જે બ્રહ્મ છે તે ગુરુ છે તેમાં કોઈ શંકા નથી. મંગલાચરણમાં આપણે વારંવાર શ્લોક બોલીએ છીએ તે શ્લોક – “અજ્ઞાનતિમિરાંધસ્ય, જ્ઞાનાંજનશલાકયા I ચક્ષરૂન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરવે નમઃ” પણ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે.


ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે


અષાઢી પૂર્ણિમા આપણા ગુરુને વંદન કરવાનો પરમ દિવસ છે.પૂર્ણિમાનો સંબંધ ચંદ્ર સાથે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ પ્રકાશિત હોય છે. ગુરુ પણ આપણને પૂર્ણ કલાનો અનુભવ કરાવે છે. ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે.


(સંકલનઃ મયુર ખૂંટ)