Holika Dahan 2021: હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. તો હોળીની જ્વાળાનું પણ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્વાળાની દિશા આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત આપે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીની જ્વાળા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. હોળીની જ્વાળા જે દિશામાં જાય છે. તે પ્રમાણે આવનાર વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રી મુજબ 28 માર્ચે પ્રગટનાર હોળીની જ્વાળાની દિશા મુજબ આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત મેળવી શકાશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ જો હોળીની જ્વાળાની દિશા અગ્નિ દિશામાં હોય તો તે ઓછો વરસાદને સૂચવે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ હોળીનો દિવસ હવામાનના અવલોકન અને તેના સંકેત આપતો ખાસ દિવસ છે. તેથી આ દિવસના આઘારે આવનાર વર્ષ કેવું રહેશે, તેનો અનુમાન લગાવાય છે. ફાગણની પૂનમની રાત્રે હવાની દિશા પરથી આવનાર વર્ષના હવામાનનો અનુમાન લગાવાય છે.
હોળીની જ્વાળાના દિશા સંકેત
ફાગળની પૂનમે હોળીની જ્વાળા કઇ દિશામાં હોય તો શુભ કહેવાય અને કઇ દિશામાં જાય તો અશુભ કહેવાય છે જાણીએ.. નિષ્ણાત મુજબ જો હોળીની જ્વાળા પશ્ચિમ દિશામાં જાય તો વર્ષ સારૂ જાય છે. પૂર્વની દિશામાં પવન હોય અથવા તો હોળીની જ્વાળા પૂર્વ તરફ જતી હોય તો તે વર્ષે હળવાથી સામાન્ય વરસાદના સંકેત મળે છે. જો હોળીની જ્વાળા ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય. બની શકે કે અતિવૃષ્ટીની સ્થિતિ પણ સર્જાય.જો હોળીની જ્વાળા દક્ષિણ દિશામાં હોય તો તે નહિવત વરસાદ અને દુષ્કાણના સંકેત આપે છે.