રાજકોટ જિલ્લાના વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજ્યંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.  વીરપુર ગ્રામજનો અને વેપારીઓએ બાપાની જગ્યાએ ફટાકડા ફોડી રાતે ઉજવણી કરી હતી. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મજ્યંતિને લઈ વીરપુર જલારામ મય બન્યું હતું. 'જયાં ટુકડો ત્યા હરી ઢુકડો’ ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે 204 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે તેવા જલારામ બાપાની જન્મ જયંતિ પર વીરપુરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.  કોરોના સમયે માત્ર થોડા દિવસ માટે આ સદાવ્રત બંધ કરવામાં આવ્યું હતું.


કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા. તે રામના ભક્ત હતા. તેઓ 'બાપા'ના નામથી પ્રખ્યાત છે. તેમનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.




 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. તેમના દયાળુ વલણ અને સખાવતનો ક્યારેય વિરોધ કર્યો નથી. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. 20 વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા હતા.


એકવાર ભગવાનના રૂપમાં આવેલા એક સંતે એક સામાન્ય વૃદ્ધનું રૂપ ધારણ કર્યું અને જલારામ બાપાને તેમની પત્નીની સેવા માટે કહ્યું. જલારામે જરા પણ ખચકાટ વગર સંમતિ આપી. આ સાંભળીને સંતો પણ ચોંકી ગયા હતા. ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી.




જલારામ બાપાનું મુખ્ય સ્મારક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ છે, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે.  જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા આ ફોટો લેવામાં આવ્યો હતો. આજે પણ સૌરાષ્ટ્રના લોકો અને તેમના અનુયાયીઓ અન્નદાનની પરંપરાને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. સંવત 1937 માં જલારામ બાપા માઘ કૃષ્ણ દશમીના રોજ ગોલોક નિવાસી થયા.