Navratri Celebration: નવારાત્રીની ઉજવણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો તે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે કોઈ ગરબાના મોટા આયોજનો થઈ શક્યા નહોતા, તેના કારણે ખેલેયા તો નિરાશ થયા જ હતા પરંતુ સાથે સાથે ઘણા વેપારીઓ પણ નિરાશ થયા હતા. કારણ કે નવારાત્રી દરમિયાન  ઘણા નાના મોટા વેપારીઓને કમાવાની સારી તક મળતી હોય છે. જેમાં ચણીયા ચોળીથી માંડીને માટીના કોડિયા બનાવતા નાના કારીગરોનો સમાવેશ થાય છે. પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં  નિર્ણય લીધો છે કે, આ વર્ષે નવરાત્રીનું  આયોજન કરવાની મંજૂરી આપી છે. જેને લઈને ખેલૈયાઓ અને વેપારીઓ પણ ખુશ થયા છે.


 ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા સુરતનાં ટેક્સટાઇલ માર્કેટના 70,000 વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ નવરાત્રી ફળદાઈ નિવડશે તેવી આશા છે. કારણ કે,  ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓને નવરાત્રી અને દુર્ગા પૂજામાં સારો એવો વેપાર મળવાની આશા જોવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદના લો ગાર્ડન ખાતે ચણિયાચોળી, કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું પણ સારું એવું વેચાણ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે લો ગાર્ડન ખાતે બે હજારથી લઈને 10 હજાર સુધીની વિવિધ ચણિયા ચોળી બજારમાં જોવા મળી રહી છે. ભરતગૂંથણની સાથે સાથે અવનવી ચણિયા ચોળી, કેડિયાની ખુબ માગ છે.  જો કે આ વર્ષે ચણિયા ચોળી સહિતના વસ્ત્રોમાં ભાવ થોડો વધારો હોવાનું ગ્રાહકો કહી રહ્યા છે.


ભાવમાં 20 થી 30 ટકાનો પ્રતિ ચણીયાચોળીમાં વધારો


એ તો આપણે જાણીએ છીએ કે, સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સામાન્ય રીતે દિવાળીની સીઝનમાં તેજી રહેતી હોય છે. પરંતુ હવે જ્યારે સામે નવરાત્રીનું પર્વ છે અને ત્યારબાદ દુર્ગાપૂજાનો અવસર છે ત્યારે ચોક્કસપણે આ વર્ષે નવરાત્રીમાં મોટા મોટા આયોજનોને પરમિશન મળતા નવરાત્રીની ખરીદી જોવા મળી રહી છે. નોંધનિય છે કે, કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી માત્ર સોસાયટીઓ અને શેરીઓમાં જ થઈ હતી પરંતુ આ વર્ષે ગુજરાત સરકારે તમામ જગ્યાએ નવરાત્રીની મંજુરી આપતા  લૉ-ગાર્ડન ખાતે બજારોમાં ચણિયાચોળી ખરીદવા લોકોની ભીડ જોવા મળી રહી છે  લૉ-ગાર્ડન ખાતેના બજારમાં અત્યારથી જ લોકો નવરાત્રીની ચણીયાચોળી ખરીદી રહ્યા છે. જો કે ભાવમાં 20 થી 30 ટકાનો પ્રતિ ચણીયાચોળીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે.


દુર્ગાપૂજાને લઈને પણ ઘણી ડિમાન્ડ આવી રહી છે


 ટેક્સટાઇલ માર્કેટની વાત કરીએ તો વેપારીઓ માટે કોરોનાકાળ બાદના ઘણા મહિનાઓ મંદીના રહ્યા હતા. પરંતુ રક્ષાબંધન બાદ માર્કેટમાં તેજી જોવા મળી હતી જે હજુ સુધી યથાવત છે. હવે જ્યારે સામે નવરાત્રી અને દિવાળીનો તહેવાર છે. તેમજ અન્ય રાજ્યના વેપારીઓ ખરીદી માટે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવી રહ્યા છે. તો આ તબક્કે સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને પણ આશા છે કે, બે વર્ષના કોરોના બાદ જે ગત સિઝન નબળી રહી તેની વસુલાત આ વર્ષે થઈ જળે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કોલકાતામાં ઉજવાતા દુર્ગાપૂજાને લઈને પણ ઘણી ડિમાન્ડ આવી રહી છે. તેથી વેપારીઓ પાસે અત્યારે નવરાત્રી અને દુર્ગાપૂજાનો સારો એવો ઓર્ડર આવી રહ્યો છે અને ત્યારબાદ દિવાળીને લઈને પણ સારી એવી ડિમાન્ડ નીકળશે તેવું હાલ વેપારીઓ આશા સેવી રહ્યા છે.