Dussehra 2021: શુક્રવારે દેશભરમાં વિજયા દશમીનું પર્વ મનાવવામાં આવશે. તેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે રામે લંકાના રાજા રાવણને માર્યો હોવાની લોકવાયકા છે. આ દિવસે નવરાત્રિ દરમિયાન સ્થાપિત મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવે છે. વિજયા દશમીના દિવસે અસ્ત્ર-શસ્ત્રની પૂજાનું પણ મહત્વ છે. આ દિવસે અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થતો હોવાનું કહેવાય છે.


દશેરાનું શુભ મુહૂર્ત


પંચાગ અનુસાર દશેરાની તિથિ 14 ઓક્ટોબર સાંજે 6.52 કલાકે શરૂ થશે. દશમીની ઉદય તિથિ 15 ઓક્ટોબર છે, તેથી આ પર્વ 15 ઓક્ટોબરે મનાવાશે. આ વખતે વિજયા દશમી પર શ્રવણ નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધિ યોગ, અભિજીત મુહૂર્ત અને વિજયી મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે. આ મુહૂર્તમાં દશેરાની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવી છે. આ મુહૂર્તમાં પુજા કરવાના અનેક લાભ છે.


વિશેષ સંયોગમાં પૂજાથી મળે છે આ લાભ


ધાર્મિક માન્યતા છે કે તેમાં પૂજા કરવાથી મા આદ્યશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનની તકલીફો દુર થાય છે. તમામ પરેશાની તથા સંકટમાંથી મુક્તિ મળે છે. દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે. ધર્મના માર્ગ પર ચાલતા લોકોનો દરેક જગ્યાએ વિજય થાય છે.


દશેરાના દિવસે રામ-રાવણ વચ્ચે ચાલતા   લાંબા યુદ્ધનો અંત આવ્યો હતો. અસુર પર સુરનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. વિજયા દશમીએ શમી પુજન થાય છે. દરબારો, રાજવી પરિવારો શસ્ત્ર પૂજા કરે છે. દશેરાનો દિવસ શુભ હોવાથી આ દિવસે સગાઈ, વાસ્તુ, નવા ઉદ્યોગોની શુભ શરૂઆત કે ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે.