Pavagadh: અંબાજી બાદ પાવાગઢમાં વિવાદ શરૂ થઈ શકે છે. પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે હવે કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લઈને જઈ શક્શે નહીં. આ મંદિરના ટ્રસ્ટે ભક્તો માટે છેલ્યા વિનાનું આખુ નાળિયેર માતાજીને ધરીને પોતાની ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય સ્વચ્છતાને લઇને કરવામાં આવ્યો છે.


20 માર્ચથી થશે અમલ


ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવા પાવાગઢ માતાજીના મંદિરે દરરોજ હજારો ભક્તો મુલાકાતે જતા હોય છે. આ ભક્તો માતાજીને પ્રસાદી રુપે શ્રીફળ, ચૂંદળી ધરાવતા હોય છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી ભક્તો મંદિરની અંદર છોલ્યા વિનાનું આખુ નાળિયેર ઘરાવવાનું રહેશે અને ત્યારબાદ તે નાળિયેર ધરાવીને ઘરે લઈ જવાનુ રહેશે. જે મુજબ તા. 20 માર્ચ, 2023 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. આ ઉપરાંત મંદિરની નજીક કોઈ વેપારીઓને પણ છોલેલા શ્રીફળ વહેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વેપારી પાસેથી છોલેલું શ્રીફળ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી છોલેલું શ્રીફળ વેચશે તો તેને દંડ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય સ્વચ્છતાને લઈને કરવામાં આવ્યો છે


પાવાગઢ મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી તમામ ભક્તો અને સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહ્યો છે. આ નવો નિયમના કારણે સ્થાનિક વેપારીમાં આક્રોશ છે.  


ચેત્રી નવરાત્રીને લઈ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત

ચૈત્રી નવરાત્રીને લઈ માતાજીની પાદુકાનું પૂજન તેમજ શ્રી કાલી યંત્ર પૂજનનું  ભાવિક ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.  તારીખ 22 /3 /23 ને બુધવાર પ્રથમ ચૈત્રી નવરાત્રીથી બપોરે 12:39 કલાકે પ્રારંભ થશે.

પૂજન માટેની વિશેષ સુચના:

૧) મંદિર પરિસરમાં માતાજીની ગાદી વાળી જગ્યા ઉપર પાદુકા તેમજ શ્રી કાલી યંત્ર પૂજન મંદિરના નિશ્ચિત પૂજારી દ્વારા કરાવવામાં આવશે.

૨) પૂજન વિદ્વાન બ્રાહ્મણોએ નક્કી કરેલી વિધિ અનુસાર કરાવવામાં આવશે .

૩) પૂજન માટે સંસ્થાના કાર્યાલયમાં દક્ષિણા રૂપિયા 1100 /_ભરી પહોંચ લેવાની રહેશે.

૪) પુજામાં બે વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.

૫) પૂજામાં બેસનાર ભાઈને મંદિર તરફથી પીતાંબર આપવામાં આવશે જે તેમણે પહેરવાનું રહેશે. તેમ જ મહિલાને ચુંદડી આપવામાં આવશે .

૬) પૂજન સામગ્રી મંદિર તરફથી યજમાન ને આપવામાં આવશે. યજમાને સાથે કશું લાવવાનું રહેતું નથી.

૭) પૂજન પછી પીતાંબર પ્રસાદી રૂપે યજમાન ઘરે લઈ જઈ શકશે.

૮) મહિલાઓએ શુદ્ધતાની (ખાતરી પાંચ દિવસ પૂર્ણ થયાની) ધ્યાનમાં રાખવાની રહેશે .

૯) પૂજન પત્યા પછી યજમાનને મંદિર તરફથી એક પેકેટ પ્રસાદ અને માતાજીનો નાનો ફોટો આપવામાં આવશે .તેમજ અનુકૂળતા હશે તો મંદિરમાં સન્મુખ દર્શન કરાવવામાં આવશે.