Ambaji Temple: યાત્રાધામ અંબાજીમાં રૂ. 1200 કરોડના ખર્ચે શક્તિપથ બનશે. જે મુખ્ય મંદિરમાં રહેલા વિશા યંત્ર અને ગબ્બર પર રહેલી સતીનાં હૃદયનાં સ્થાન એવી જ્યોતને જોડશે. અઢી કિમી લાંબા આ કોરિડોરના રૂટ પર દિવ્યદર્શિની ચોક, પાર્કિંગ, એમેનિટિઝ બ્લોક, ટૂરિસ્ટ ફેસિલિટી, રોપવે ટર્મિનલ, સતી સરોવર, સતી ઘાટ, EV સ્ટોપ અને ઈવેન્ટ ગ્રાઉન્ડ હશે. આ કોરિડોર તૈયાર થયા પછી શ્રદ્ધાળુઓ મંદિરમાં વિશા યંત્રના દર્શન કરી ચાચરચોકથી જ સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. અઢી કિમીના આ કોરિડોર પર પગપાળા અને વાહન એમ બન્ને રીતે જઈ શકાશે. આ પ્રોજેક્ટથી મંદિર પ્રાંગણ ત્રણ ગણું અને ગબ્બર પરિસરનું બમણું વિસ્તરણ થશે. આ પ્રોજેક્ટનાં કામ 3 તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં થનાર કામ
- ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે
- અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો બનશે
- દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે
- નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો થશે
- પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે
- સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે
બીજા તબક્કામાં આ કામ થશે
- એમ્પિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શો તૈયાર થશે
- ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા સુદૃઢ કરાશે
- ગબ્બર અરાઈવલ પ્લાઝા બનશે
- ગબ્બર મંદિરનું વિસ્તરણ કરાશે
- મલ્ટિલેવલ કાર પાર્કિંગ બનશે
- ઈન્ફર્મેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સ
ત્રીજા તબક્કાનાં કામ
- સતી સરોવર અને સતી ઘાટ બનશે
- ઈવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર થશે (પાર્કિંગની સુવિધા વધશે)
- ગબ્બર તરફ જવાના માર્ગની કામગીરી કરાશે
- વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર, મ્યુરલ વોલ
- શક્તિપથ-1 આજુબાજુની ઈમારતોને સુવિધાઓ
- માનસરોવરનો વિસ્તાર વધારાશે
યાત્રીઓના સ્વાગત માટે આગમન પ્રાંગણમાં જ વિશાળ અંબાજી ચોક બનશે. આ કોરિડોર પર સૌથી પહેલાં દિવ્યદર્શિની ચોક આવશે, જ્યાં આકર્ષણના વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે. યાત્રીઓ ખરીદી કરી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે આ કોરિડોર પર રિટેઈલ સ્ટ્રીટ પણ બનશે. સતી સરોવરથી આગળ આ મેદાનમાં 120 મીટર પહોળો ઈવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ બનશે. શક્તિપથ અંતર્ગત વિશા યંત્ર મંદિર અને ગબ્બર સાથે માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને પણ જોડવામાં આવશે.