Shraddha Paksha 2021: હિન્દુ પંચાગ પ્રમાણે આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે. પિતૃઓની મૃત્યું તિથિ પ્રમાણે તે તિથિના દિવસે ઘરમાં જ પિતૃઓની શ્રાદ્ધ વિધી કરવામાં આવતી હોય છે. કુટુંબના રિવાજ પ્રમાણે લાપસી અથવા ખીર બનાવીને કાગવાસ કરવામાં આવે છે, બ્રાહ્મણો, કુંવાસીઓને જમાડયા પછી કુટુંબીજનોએ જમવાનું હોય છે. પિતૃઓને શ્રાદ્ધ આપવાથી, તર્પણ વિધી કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. મોક્ષ મળે છે, પિતૃદોષ નિવારણ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધી રહે છે. તિથિમાં ભુલચુક હોય તો સર્વ પિતૃ અમાસે શ્રાદ્ધ વિધી કરવાથી તમામ પિતૃઓને મોક્ષ મળી જાય છે.
સર્વાર્થસિદ્ધિ યોગમાં જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત અને પૂર્ણાહુતિ
આ પિતૃ પક્ષનું મહાલય શ્રાદ્ધ પક્ષ આવતીકાલે 21 સપ્ટેમ્બર, 2021ના રોજ શરૂ થશે. જ્યોતિષ અનુસાર આ વખતે 21 સપ્ટેમ્બરે 100 વર્ષ બાદ આવો દિવ્ય સંયોગ તથા ગ્રહોની સ્થિતિ બની રહી છે. તેથી પિતૃ પક્ષનું મહત્વ અધિક વધી ગયું છે. જ્યોતિષાચાર્યોનું માનવું છે કે આ વિશિષ્ટ સંયોગમાં પિતૃઓનું તર્પણ કરવું શ્રેષ્ઠ ફળદાયી હોય છે.
જ્યોતિષ અનુસાર આ વખતે મહાલય શ્રાદ્ધ પક્ષની શરૂઆત સર્વાર્થસિદ્ધિ યોગમાં થઈ રહી છે અને સમાપન પણ સર્વાર્થસિદ્ધિ યોગમાં આવી રહેલી સર્વપિતૃ અમાસના દિવસે થશે. પંચાગ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પાંચ સર્વાર્થસિદ્ધિ, એક અમૃત ગુરુ પુષ્ય યોગ તથા ગજછાયા યોગનો મહાસંયોગ બનશે.
પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ
ભાદરવા મહિનામાં આવતો શ્રાદ્ધ પક્ષ પિતૃઓની તૃપ્તી તથા પુત્રોએ માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો અવસર ગણાય છે. ગરૂડ પુરાણમાં નર્ક તેમજ પિતૃલોકનું વર્ણન છે. તેમાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ બતાવાયું છે. જે પુત્ર પિંડદાન અથવા શ્રાદ્ધ ક્રિયા કરે છે તેને પિતૃઓ પ્રસન્ન થઇ ધન, ધાન, સુખ, વૈભવ અને યશકિર્તી પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપે છે.
શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું
શ્રાદ્ધના ૧૫ દિવસ દરમિયાન નવા ઘરનું વાસ્તું, યજ્ઞા, ગૃહપ્રવેશ, લગ્ન વગેરે શુભકાર્યો થતા નથી. શ્રાદ્ધના દિવસે પાંચ બાળકીઓ, બ્રાહ્મણોને જમાડવા જોઇએ.