ગીરનારની લીલી પરિક્રમા વિશે ભાગ્યેજ કોઈ એવું મળે કે જે ન જાણતું હોય. કહેવાય છે કે હિમાલયમાં હજ્જારો વર્ષથી તપ કરતાં અનેક સિદ્ધો જેમ કુંભના મેળામાં અચુકપણે આવે છે, કુંભ સ્નાન કરીને ચાલ્યા જાય છે અને એ કોઈને ખબર પણ નથી પડતી, તેવી જ રીતે ગરવા ગીરનારમાં કારતક મહિનામાં કરવામાં આવતી લીલી પરિક્રમા વિશે પણ એવું જ છે. અનેક ઉચ્ચ કોટીના સંતો, મહાત્માઓ, દિવ્ય પુરુષો અને ખુદ સાક્ષાત શિવ પણ તેમાં ભાગ લેવા આવે છે. કહેવાય છે કે, દુનિયામાં જે કુદરતી રીતે કુલ આઠ જગ્યાએ ૐ છે તેમાંનો એક ગિરનારમાં પણ છે. આ એક સિદ્ધ જગ્યા છે અને પરમ પ્રકૃત્તિથી ભરપુર છે. કહેવાય છે કે, ગીરનારમાં એવી ઔષધિય ગુણોવાળા વૃક્ષો છે કે, એવા બીજે ક્યાંય જવલ્લેજ મળે છે. સિદ્ધોની ભૂમિ ગીરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે ત્યારે આવો જાણીએ તેના વિશેની ખાસ કેટલીક વાતો….
કારતક સુદ અગિયારસથી શરૂ થનારી લીલી પરીક્રમા કાર્તિક પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. પૂણ્ય કમાવવા લાખોની સંખ્યામાં સાધુઓને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. રાજા બલીની ભકિતને કારણે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રાજા બલિના દ્વારપાળ તરીકે ચાતુર્માસ ચોકી પહેરો કરતા હોય છે તેવું પુરાણોમાં કહેવાયું છે.
દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન પાતાળમાંથી ઉઠીને પૃથ્વી લોકમાં આગમન કરે તેવું શાસ્ત્રોકત વિધાનમાં કહેવાયું છે. ગીરનારની પરીક્રમા કરવાથી ૩૩ કરોડ દેવી-દેવતાની પરીક્રમા થાય તેવું મહાત્મય છે, શ્રીકૃષ્ણના કુળદેવી જગદંબાનું સ્થાનક આ વિસ્તારમાં આવ્યું હોવાનું કહેવાય છે.
નવનાથ ચોરાસી સિઘ્ધ અને ચોસઠ જોગણી બાવનવીર અને તેમના ભૈરવોની આ ભૂમિ અનેક સિદ્ધ મહંતોની તપસ્થળી છે. જૂનાગઢમાં દેશના અનેક પ્રાંતો અને પ્રદેશોમાંથી સાધુબાવાઓ આવે છે. તે કુંડમાં સ્નાન કરીને ક્યાં અદ્રશ્ય થઈ જાય છે, તે કોઈને ખબર પણ પડતી નથી. કહેવાય છે કે જો સાચા સંતના દર્શન કરવા હોય તો ગીરનાર જવું. તેમની એક નજર પણ જો તમારા પર પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય. ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાથી તેમજ છેક હિમાલયમાંથી પણ અનેક સાધુ સંતો ગીરનાર આવે છે. ગીરનારની લીલી પરીક્રમામાં લગભગ દર વર્ષે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાય છે.
દત્તાત્રેયની આજે પણ હોય છે ઉપસ્થિતિ :
પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ગુજરાતમાં જુનાગઢમાં આવેલા ગરવા ગીરનારની લીલી પરિક્રમા એ એક તીર્થ યાત્રા છે. તેનું વિશેષ પુણ્ય છે. ગીરનાર ખુબ ધાર્મિક મહત્વ ધરાવે છે. ગરવા ગીરનારની પાવનભૂમિ પર હજારો વર્ષથી સિદ્ધ સાધુ સંતો તપસ્યા કરવા માટે આવતા હોય છે. કહેવાય છે કે ખુદ સાક્ષાત દત્તાત્રેય કે જે અમર છે તે આજેય ગિરનાર પર આવે છે. પ્રકૃત્તિથી ભરપૂર આ પાવનભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો આવે છે. શિવરાત્રીએ ભવનાથનો મેળો હોય કે પછી લીલી પરીક્રમા, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો અહીંયા આવતા હોય છે. વર્ષો સુધી તપર્શ્ચ્યા કરી અને આ તપર્શ્ચ્યાના પૂણ્યનું ભાથુ જાણે આ ભૂમિને સમર્પિત કર્યું હોય, તેમ ગીરનાર ક્ષેત્રની આ ભૂમિના સ્પર્શમાત્રથી આહલાદક આઘ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે.
શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ કરી હતી ગીરનારની પરીક્રમા
શ્રીકૃષ્ણ, રુક્ષ્મણીજી અને સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ પણ ગીરનારની લીલી પરિક્રમા કરી હતી. 36કિલોમીટરની આ લીલી પરીક્રમાનો સિલસિલો હજારો વર્ષથી ચાલતો આવે છે. દંતકથામાં એવું પણ કહેવાયું છે કે, આ વિસ્તારમાં પઠેશ્વર ક્ષેત્રમાં ભગવાન શિવે લીલા કરી માતા પાર્વતીથી સંતાકુકડી રમવા અહીંયા આવેલા ત્યારે માતાજીએ તેમને આ ક્ષેત્રમાંથી ઓળખી કાઢેલા. પુરાણો અનુસાર શ્રીકૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરી પરીક્રમા કરી હતી અને સતત પાંચ દિવસ સુધી ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. પુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગીરનારની પરીક્રમા કરી હતી. કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણને ગીરનારના જંગલમાં વાસ કરી પરીક્રમા કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અહીં બિરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર ૩૩ કરોડ દેવતાઓએ ભગવાનના સાનિઘ્ય માટે અહીં વસવાટ કર્યો હતો અને ત્યારથી જ ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાની એક માન્યતા છે. . ભગવાન શ્રીકૃષ્ણએ પરીક્રમા કર્યા બાદ આ પરીક્રમાનો સીલસીલો પરંપરાગત રીતે શરૂ થયો હોવાનું કહેવાયું છે.
-ધર્માચાર્ય તુષાર જોષી