નાસ્તૂર બેજાન દારૂવાલા


Sankashti Chaturthi 2023:સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત 7 જૂન, બુધવારે  એટલે કે આજે છે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ અષાઢ ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ તિથિને કૃષ્ણપિંગલ સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ગણેશજીની કૃષ્ણપિંગક્ષાના રૂપમાં પૂજા કરવામાં આવે છે. દરેક મહિનામાં બે ચતુર્થી હોય છે, પરંતુ પૂર્ણિમા પછી આવતી ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે સાચા હૃદયથી કરવામાં આવેલી પૂજા જીવનના દરેક સંકટને દૂર કરે છે. ચાલો જાણીએ અષાઢ સંકષ્ટી ગણેશ ચતુર્થીના  વ્રત, પૂજા મુહૂર્ત, પૂજા પદ્ધતિનું મહત્વ


ગણેશ ચતુર્થીનું મહત્વ


અષાઢ ચતુર્થીના દિવસે ચંદ્રદેવના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચતુર્થી તિથિનું વ્રત ચંદ્રદેવના દર્શન કર્યા પછી જ પૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ વ્રત કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને બાળકો સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. આ વ્રત રાખવાથી જીવનમાં ધન-ધાન્યની કમી નથી રહેતી અને માનહાનિનો યોગ પણ ટળે છે.  આ વ્રતથી  કાર્યોમાં આવતી અડચણો દૂર થાય છે અને ધન અને દેવા સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે.


ગણેશ ચતુર્થી શુભ  મુહૂર્ત



  • ચતુર્થી તિથિનો પ્રારંભ - 6 જૂન, મંગળવારે રાત્રે 12.50 મિનિટે

  • ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે - 7 જૂન, બુધવારે રાત્રે 9.50 કલાકે

  • ચંદ્રોદયનો સમય - 7 જૂન, રાત્રે 10.50 કલાકે


કેવી રીતે કરશો પૂજન


ચતુર્થીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કરીને સૂર્યને જળ અર્પણ કરો અને પછી હાથમાં ચોખા અને જળ લઈને ઉપવાસનો સંકલ્પ કરો. આ પછી, ઘરના મંદિરમાં પૂજા કરો અને પછી એક બાજોટ પર લાલ કપડું બિછાવીને ગણેશજીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. આ પછી ચારે બાજુ ગંગા જળ છાંટીને દેશી ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ ગણેશજીને સિંદૂર, ફળ, ફૂલ, પવિત્ર દોરો, પ્રસાદ, મોદક વગેરે વસ્તુઓ અર્પણ કરો. આ પછી 21 ગઠ્ઠો દૂર્વા અને અગરબત્તી પ્રગટાવો. ત્યારબાદ ગણેશજીની આરતી ઉતારો અને ભૂલની માફી માગો. આરતી પછી ગણેશ ચાલીસા અથવા ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો અને ગણેશ મંત્રોનો જાપ કરો. સવારે પૂજા કર્યા પછી સાંજે ગણેશજીની આરતી કરો અને પછી ચંદ્ર દર્શન માટે જાઓ.


સંકટ ચતુર્થી પર કરો આ ઉપાય



  • સંકષ્ટી ચતુર્થીના વ્રતના દિવસે ભગવાન ગણેશની સાથે શમીના વૃક્ષની પણ પૂજા કરો. ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની સાથે શમી વૃક્ષની પૂજા કરવાથી દરિદ્રતા, પરેશાનીઓ દૂર થાય છે.

  • સુખ અને સૌભાગ્ય વધારવા માટે ગણેશ પૂજામાં પહેલા ગણેશજીને સિંદૂર લગાવો અને પછી તે જ સિંદૂર તમારા કપાળ પર લગાવો. આમ કરવાથી ગણેશજીની કૃપા બની રહે છે અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

  • ધન અને ધાન્ય વધારવા માટે ગણેશ પૂજામાં લાલ કપડા અને લાલ ચંદનનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાલ કપડાનું દાન કરો.

  • સઘળી વ્યાધિ ઉપાધિથી અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે 11 દુર્વા  ગણેશજીને  અર્પણ કરો. 'સંકટનાશk ગણેશ સ્તોત્ર'નો પાઠ કરો. તેની સાથે 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો.