Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનું ચોમાસુ સત્ર 22મી જૂલાઈથી શરૂ થયું છે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ અને નાણામંત્રી સીતારમણનું સતત સાતમું બજેટ હશે.


બજેટ સંબંધિત તમામ દસ્તાવેજો indiabudget.gov.in પર ઉપલબ્ધ રહેશે. બજેટની રજૂઆત દૂરદર્શન, સંસદ ટીવી અને વિવિધ સત્તાવાર સરકારી યુટ્યુબ ચેનલો પર લાઈવ જોઈ શકાશે. આ સાથે જ નિર્મલા સીતારમણ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. જો કે, સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ દેસાઈના નામે છે. સીતારમણ આવતા મહિને 65 વર્ષના થશે.


નિર્મલા સીતારમણ એક રેકોર્ડ બનાવશે


તેઓ 2019માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન બન્યા હતા. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી છે. ત્યારથી સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ, 2024 થી માર્ચ, 2025) માટેનું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ હશે. તેઓ દેસાઈના રેકોર્ડને તોડશે જેમણે 1959 અને 1964 વચ્ચે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.


બજેટથી લોકોની શું અપેક્ષા છે?


અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ અઠવાડિયે રજૂ થનારા સામાન્ય બજેટમાં નવી પેન્શન સિસ્ટમ અને આયુષ્માન ભારત જેવી સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓ અંગે કેટલીક જાહેરાતો થઈ શકે છે. જોકે આવકવેરાના મામલામાં રાહતની આશા ઓછી છે. તેમનું એમ પણ કહેવું છે કે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અને કૃષિ ફાળવણીમાં વધારો અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પગલાં પર ભાર મૂકવાની શક્યતા છે.


લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે આયુષ્માન યોજના હેઠળ લાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીનું ધ્યાન રોકાણ દ્વારા લોકોનું ગૌરવ અને સારા જીવન અને રોજગાર સુનિશ્ચિત કરવા પર છે.


મૂડીઝ એનાલિટિક્સને બજેટ પાસેથી આ અપેક્ષાઓ છે


મૂડીઝ એનાલિટિક્સે કહ્યું કે મંગળવારે સંસદમાં રજૂ થનારા નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટમાં મૂડી ખર્ચમાં વધારો થઈ શકે છે. જૂનમાં લોકસભામાં તેની સંપૂર્ણ બહુમતી ગુમાવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી (BJP) નવી ગઠબંધન સરકારમાં જનતાનો વિશ્વાસ ફરીથી મેળવવાનો પ્રયાસ કરશે, એમ મૂડીઝ એનાલિટિક્સ અર્થશાસ્ત્રી અદિતિ રામને સોમવારે જણાવ્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે વચગાળાના બજેટમાં કરના દરો યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ આયોજિત સરકારી ખર્ચમાં કોઈપણ વધારાની સાથે ખાધને વધતી અટકાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા દ્વારા વધુ કર વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે હાલમાં ભારતની આર્થિક નીતિમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. ચૂંટણી પછીનું આ બજેટ અગાઉ નક્કી કરાયેલા લક્ષ્યોને મજબૂત બનાવશે.