Union Budget 2022: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. લોકો એવી અપેક્ષા રાખી રહ્યાં હતાં કે, આવકવેરામાં મોટી રાહત મળશે પણ નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે, આ વર્ષે આવકવેરાના દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી.  મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ રાહતની અપેક્ષા રાખતો હોવાતી તેને નિરાશા સાંપડી છે.


 


નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે રજૂ કરેલું પોતાના કાર્યકાળનું ચોથુ કેન્દ્રીય બજેટ છે. આ બજેટમાં લોકોને અનેક આશાઓ હતી. વ્યકિતગત કરદાતાઓને આશા હતી કે મોદી સરકાર ટેક્સમાં રાહત આપશે કે  જેથી વધારે આવક તેમના હાથમાં આવે અને તે વધુ રોકાણ અને વધારે ખર્ચ કરી શકે.


સામાન્ય માણસને આવકવેરામાં મુક્તિ મર્યાદા 2014માં બે લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી હતી.  60થી વધુ અને 80થી ઓછી વયના નાગરિકો માટે ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરાઈ હતી.  2014 બાદ આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.   નિષ્ણાતો આ વખતે પગારદાર વર્ગને ખુશ કરવા બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરવા સુધીની જાહેરાત થાય તેમ માની રહ્યા હતા. સિનિયર સિટીઝન માટે મર્યાદા ત્રણ લાખથી વધીને 3.5 લાખ થઈ શકે છે એવી પણ માન્યતા હતી.


હાલ બે ટેક્સ સ્લેબ છે.


બજેટ 2020માં કેન્દ્ર સરકારે નવી ટેક્સ સિસ્ટમ દાખલ કરી હતી.  નવી સિસ્ટમમાં ટેક્સનો દર 15 ટકા છે.


જૂનો ટેક્સ સ્લેબ



  • 2.5 લાખ સુધી 0 ટકા

  • 2.5 લાખ થી 5 લાખ 5 ટકા

  • 5 લાખથી 10 લાખ 20 ટકા

  • 10 લાખથી વધુ 30 ટકા


નવો ટેક્સ સ્લેબ



  • 0 થી 2.5 લાખ 0 ટકા

  • 2.5 થી 5 લાખ 5 ટકા

  • 5 લાખ થી 7.5 લાખ 10 ટકા

  • 7.5 લાખ થી 10 લાખ 15 ટકા

  • 10 લાખથી 12.50 લાખ 20 ટકા

  • 12.50 લાખથી 15 લાખ 25 ટકા

  • 15 લાખથી વધુની આવક પર 30 ટકા