ચૂંટણી પરિણામ બાદ સરકાર આપશે મોટો ઝાટકો, 2 રૂપિયા સુધી મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે સરકાર. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરી શકે છે. જો એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલની કિંમત 2 રૂપિયા પ્રતિ લિટરે વધી શકે છે. ઉપરાંત રાજ્ય સરકાર પણ વેટમાં વધારો કરી શકે છે.
સરકારમાં ડ્યૂટી વધારવા પર સહમતિ સધાઈ ગઈ છે. 4 ઓક્ટોબરથી અત્યાર સુધી પેટ્રોલ 13.10 રૂપિયા પ્રતિ લીટર જેટલું સસ્તું થયું છે. 4 ઓક્ટોબરથી અત્યાર સુધી ડીઝલ 9.90 રૂપિયા પ્રતિ લીટર જેટલું સસ્તું થયું છે. હાલમાં પેટ્રોલ ડીઝલની કિંમત 11 મહિનાની નીચલી સપાટી પર છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 1 વર્ષના તળીયે છે.
કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પર 18.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 14.33 રૂપિયા પ્રતિ લીટરની એક્સાસાઈઝ ડ્યૂટી લે છે. ત્યારબાદ વેટ લાગે છે, જેના દર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ છે. ક્રૂડના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં તેજીથી થયેલી સતત કાપના કારણે આ સપ્તાહના શરૂઆતમાં મુંબઈમાં પેટ્રોલની કિંમતમ 80 રૂપિયા પ્રતિ લીટરથી નીચે આવી ચૂકી છે.
લગભગ બે મહિના પહેલા ક્રૂડ ઓઇલ 86.74 ડોલર પ્રતિ બેરલના સ્તરે હતું. ઓક્ટોબરની શરૂઆતમાં જ્યારે ક્રૂડની કિંમત 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી, તે સમયે બધે જ ચિંતા વધતી જઈ રહી હતી. ભારત સરકારનું માનવું હતું કે તેલ કિંમતોમાં આ તેજી થોડાક સમય માટે જ છે. પરંતુ તેમ છતાંય દેશની જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહેલી મુશ્કેલીને જોતા સરકારે 4 ઓક્ટોબરે ફ્યૂલ પર એક્સાઇઝ ડ્યૂટી 1 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી દીધી હતી.