ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર રાહત આપવાનો સરકારનો ઇનકાર, જાણો શું કહ્યું....
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝળના ભડકે બળતા ભાવથી લોકોને રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ, ડીઝલના વધતા ભાવથી ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની તમામ અટકળોને નકારી કાઢી છે. સરકારના એક ટોચના અધિકારીએ કહ્યું છે કે, એક્સાઈઝમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાત મોંઘી થઈ રહી છે. સરકારનું માનવું છે કે, ભાવ ઘટાડાથી ચાલુ ખાતાની ખોટ ટાર્ગેટથી વધી જશે માટે સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી રાજકોષીય ગણિત સાથે છેડછાડ કરવા નથી માગતી.
પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 16થી 17 પૈસા અને ડીઝલના ભાવોમાં 19થી 20 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં હવે પેટ્રોલ 79.31 પ્રતિ લીટર, ડીઝલ 71.34 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 86.72 રૂપિયા/લીટર થયું, જે કોઇપણ મેટ્રોસિટીમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.
છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. ઉપરાંત તેલના ભાવ અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી રહ્યા છે. એવામાં ટ્રાન્સપોર્ટના ભાવોમાં પણ વધારો થઇ શકે છે. જેની અસર શાકભાજી અને દાળના ભાવો પર પણ પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કાચા તેલની કિંમતોમાં વધારો થવાનો સિલસિલો ચાલુ છે. કાચા તેલની કિંમતોમાં સતત થઇ રહેલા વધારાને કારણે તેલની કિંમતો પણ સતત વધી રહી છે.