HDFC હવે RTGS અને NEFTથી ઓનલાઈન ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લે, નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની HDFC બેંકે RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) અને NEFT દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવા પર લાગતો ચાર્જ હટાવ્યો છે. જ્યારે બેંકે ચેક દ્વારા લેવડ દેવડ માટે જુદા જુદા ચાર્જમાં આવતા મહિનાથી વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે એક જાણકારીમાં કહ્યું કે, તેના ગ્રાહકોને આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ઓનલાઈન લેવડ દેવડ પર એક નવેમ્બરથી કોઈ ચાર્જ નહીં લાગે.
હાલમાં ગ્રાહકોએ આરટીસીએસ દ્વારા 2-5 લાખ રૂપિયા સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ચાર્જ આપવો પડતો હતો. જ્યારે NEFT દ્વારા પાંચ લાખ રૂપિયાથી વધારેની લેવડ દેવડ પર 50 રૂપિયાનો ચાર્જ આપવો પડતો. ઓનલાઈન એનઈએફટી લેવડ દેવડ પર 10,000 રૂપિયાથી ઓછી રકમ પર 2.5 રૂપિયા, 10001 રૂપિયાથી એક લાખ રૂપિયા સુધી પાંચ રૂપિયા અને 1-2 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા ચાર્જ હતો.
બેંકનું કહેવું છે કે, બેંક શાખા દ્વરા એનઈએફટી અથવા આરટીજીએસ લેવડ દેવડ પર ચાર્જ લાગુ રહેશે. બેંકે કહ્યું કે, NEFT/RTGS ઓનલાઈન ચાર્જમાં આ ફેરફાર તમામ રિટેલ બચત, સેલેરી અને એનઆરઆઈ ગ્રાહકો માટે એક નવેમ્બર 2017થી લાગુ થઈ ગયો છે.
ચેક બુક વિશે બેંકે કહ્યું કે, ગ્રાહકોને એક વર્ષમાં 25 પાનાની એક જ ચેકબુક ફ્રી મળશે. વધારાની ચેકબુક 25 પાના માટે 75 રૂપિયા ચાર્જ લાગશે. ખાતામાં બેલેન્સ ન હોવા પર ડિસઓનર થવા પર 500 રૂપિયા (દરેક)નો દંડ લાગશે. ચેક રિટર્ન થવા પર હવે 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયા ચાર્જ લાગશે.