અનિલ અંબાણીએ જણાવ્યું RComનું દેવું ઓછું કરવાનું ગણિત, રણનીતિ બદલવાની યોજનાને લેન્ડર્સે આપી મંજૂરી
નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચ દ્વારા રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાથી રેટિંગ ઘટાડ્યાના એક દિવસ બાદ જ અનિલ અંબાણીએ પોતાના રોકાણકારોને એ વિશ્વાસ અપાવ્યો છે કે, તેની કંપનીની સ્થિતિ સુધરી રહી છે. બેંકોને લોન રીસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી દીધી છે. તે અંત્રગત સાત મહિના સુધી કંપનીએ વ્યાજ નહીં ચૂકવવું પડે.
અંબાણીએ પોતાના રોકાણકારોને જણાવ્યું કે, અમને એરસેલની સાથે મર્જર ડીલ અને બ્રુકફિલ્ડની સાથે ટાવર કારોબાર વેચાણની ડીલ સપ્ટેમ્બર સુધી પૂરી કરી લેવાની ધારણા છે. આ ડીલથી કંપની પર દેવાનો ભાર 45,000 કરોડ રૂપિયાથી ઘટીને 20,000 કરોડ રૂપિયા પર આવી જશે. અંબાણીએ જણાવ્યું કે, તમામ લેન્ડર્સે તેની રીસ્ટ્રક્ચરની યોજના સ્વીકારી લીધી છે અને તેને લોન ચૂકવવા માટે 7 મહિનાનો સમય પણ આપ્યો છે.
RComના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું કે, કંપનીમાં રણનીતિ બદલવાની યોજનાને લેન્ડર્સે સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, આરકોમનું રેટિંગ ઘટવાથી નિરાશ છું. હવે તેમનો પ્રયત્ન હશે કે નાણાંકીય શાખ ફરીથી પ્રસ્થાપિત કરવી જેવી પહેલા હતી. અંબાણીએ આગળ કહ્યું કે, અમે અમારા દેવામાં ઘટાડો કરવા માટે આકોમના વૈશ્વિક કારોબારના રણનીતિક વેચાણ પર વિચાર કરી શકીએ છીએ. અંબાણીએ જણાવ્યું કે, આરકોમ-એરસેલના મર્જર બાદ નવી વાયરલેસ કંપનીનું નામ એરકોમ હશે. એરકોમમાં આરકોમની હિસ્સેદારી 50 ટકા હશે.
બીજા બાજુ આરકોમના મુખ્ય નાણાંકીય અધિકારી પુનીત ગર્ગે કહ્યું કે, ટેલીકોમ ઉદ્યોગમાં ચાલુ વર્ષે 40,000 નોકરીઓ જઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગ પર ખૂબ જ ટેક્સનો બોજો છે. તેમણે કહ્યું કે, જિઓની એન્ટ્રી બાદ ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે.