1 સપ્ટેમ્બરથી દેશભરમાં પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ થશે, જાણો તમને શું લાભ થશે.....
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં કોઈ પણ વ્યક્તિ સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટ ખોલાવી ઝડપી મની ટ્રાન્સફરની સુવિધાનો લાભ મેળવી શકશે. એજરીતે આ બેંકમાં મનરેગા, શિષ્યવૃત્તિ, સરકારી લાભ અને સબસિડી, લોન, વીમા, રોકાણ, પોસ્ટલ બચત યોજનાઓનો લાભ મેળવી શકશે. એજરીતે મોબાઈલ અને ડીટીએચ રિચાર્ચ, વીજળી, પાણી, ગેસ બિલ તેમમ વીમા પ્રીમિયમ પણ ભરી શકાશે. વધુમાં ઇ-કોમર્સ માટે ડિજિટલ ચુકવણી, નાના વેપારીઓ, કિરાણા સ્ટોર સહિત અન્ય અસંગઠિત છૂટક ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે રાજ્યમાં પોસ્ટલ બેન્ક શરૂઆત કરાવશે.
નવી દિલ્હીઃ 1લી સપ્ટેમ્બરથી બેન્કિંગ સેવાઓનું સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. હવે બેંકમાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવા માટે તમારે બેંક અથવા એટીએમ જવું નહીં પડે. બેંક સાથે સંબંધિત તમામ સેવાઓ માટે બેંક તમારા ઘરે આવશે. પોસ્ટ વિભાગ 1લી સપ્ટેમ્બરથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરવી જઈ રહી છે.
આ બેંકમાં કોઈ પણ વ્યક્તિ માત્ર આધાર નંબરની મદદથી ખાતું ખોલાવી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશે. હાલ ગુજરાતમાં 32 સહિત દેશમાં 650 પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાશે. જ્યારે 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાતની 8900 સહિત દેશભરની તમામ 1.55 લાખ પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેંક શરૂ કરી દેવાશે. આ સેવાનો લાભ 7 હજારથી વધુ ગ્રામીણ ડાક સેવક તેમજ 4 હજાર પોસ્ટમેનની મદદથી લોકો ઘરે બેઠા મેળવી શકશે.
આ સેવાનો લાભ લેવા માટે તમે પોસ્ટમેનનો સંપર્ક કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ પોસ્ટમેનનો સંપર્ક કરી પોતાનો આધારનંબર અને થમ્બ સિગ્નેચર આપી ખાતું ખોલાવી શકશે. પોસ્ટ પેમેન્ટ બેંક ટેકનોલોજીની મદદથી બેંકિંગ સેવા જેવી કે એસએમએસ બેકિંગ, આરટીજીએસ, આઈએમપીએસ, ઇ-કેવાયસી, ડિજિટલ ખાતાની સેવા પૂરી પાડશે. આ સેવાનો લાભ મોટાભાગે નાના અને મધ્યમ ઉદ્યોગો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સ્થળાંતર કરતા કામદારો, સિનિયર સિટીઝન સહિત અન્ય લોકો પણ લઈ શકે છે.