હવે પાસપોર્ટ ડિટેલ વિના 50 કરોડથી વધુની લૉન નહીં આપે બેન્ક, સરકારે આપ્યો આદેશ
નવી દિલ્હીઃ પીએનબી મહાકૌભાંડ બાદ કેન્દ્ર સરકારે એવા લોકો પર પોતાનો શિકંજો કરવાનો શરૂ કરી દીધો છે જેમને બેન્કોમાંથી 50 કરોડથી વધુ લૉન લીધેલી છે. હવે આવા લોકોને પોતાના પાસપોર્ટની ડિટેલ જમા કરાવવી પડેશે. નાણામંત્રાલયએ બધી બેન્કોને શનિવારે આ નિર્દેશ આપી દીધો છે.
નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને જતિન મહેતા જેવા મોટા ડિફોલ્ટર્સ દેવું વસૂલનારા તંત્રને ગૂંચવણમાં નાખીને દેશમાંથી ભાગી ગયા. તેમણે જણાવ્યું કે નવી વ્યવસ્થાને ધ્યાનમાં લઈ લોન લેવાના અરજીફોર્મમાં જરૂરી સુધારા કરાશે. ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે ફગેટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ (ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદો)ને લીલી ઝંડી આપી હતી.
અત્યાર સુધીમાં લોન લઈને ભાગી જનારા ઉદ્યોગપતિઓમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહૂલ ચોક્સી, જતીન મહેતા વગેરેનો સમાવેશ થાય છે. ડિફોલ્ટર વિદેશ છૂ થઈ જાય ત્યાં સુધી તપાસ એજન્સીઓને ખ્યાલ જ આવતો નથી. આવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે નવો નિયમ બનાવાયો છે.
નાણાકીય સેવાઓના સચિવ રાજીવકુમારે શનિવારે જણાવ્યું કે દેશની બીજી મોટી સરકારી બેન્ક પીએનબીમાં કૌભાંડ થયા બાદ નાણાં મંત્રાલયે આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યા છે. સરકારનું આ પગલું લોન છેતરપિંડીની સ્થિતિમાં ઝડપથી કાર્યવાહી નિશ્ચિત કરશે. આ નિર્ણયથી છેતરપિંડી કરનારાને દેશમાંથી ભાગતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા શક્ય બનશે.
કુમારે જણાવ્યું કે બેન્કો સાથે છેતરપિંડી કરી દેશ છોડી ભાગી જનારા ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને અન્ય કેટલાક કેસોને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાસપોર્ટની વિગતોના અભાવમાં બેન્કોને દેવું નહીં ચૂકવનારા અને ખાસ કરીને ઈરાદાપૂર્વક આવું કરનારાને દેશ છોડતા અટકાવવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી.
આ નિયમ પ્રમાણે હવે સરકારી બેન્કો પાસેથી 50 કરોડથી વધુની લોન માગનારા માટે પાસપોર્ટની વિગતો આપવી ફરજિયાત કરી દેવાઈ છે. બીજી બાજુ જે લોકોએ ભારતીય બેન્કો પાસેથી 50 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે તેમને 45 દિવસની અંદર પાસપોર્ટની વિગતો બેન્કોને આપવા કહેવાયું છે.