ભારતમાં 5 વર્ષમાં પેટ્રોલ 30 રૂપિયે ને ડીઝલ 20 રૂપિયે લિટર મળતું થઈ જશે, જાણો શું છે કારણ?
સેબાએ કહ્યું કે 2020 21માં ક્રુડ ઓઈલની ડિમાન્ડ ચરમ સીમા પર હશે. ત્યાર બાદ તેમાં નાટ્યાત્મક રીતે ઘટાડો શરૂ થશે અને દસ વર્ષમાં તો ક્રુડ ઓઈલનું ઉત્પાદન રોજના 10 કરોડ બેરલથી નીચે ઉતરીને 7 કરોડ બેરલ થઇ જશે. તેના કારણે કિંમત પણ ઘટશે અને કોઈ દેશ પ્રતિ બેરલ 25 ડોલરના ભાવે પણ ક્રુડ ઓઈલ નહીં ખરીદે.
નવી દિલ્હીઃ ભારતમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલની કિંમત 30 રૂપિયા પ્રતિ લિટર થઇ જશે જ્યારે ડીઝલ રૂપિયા 20 પ્રતિ લિટરના ભાવે મળતું થઈ જશે તેવી આગાહી અમેરિકાના જાણીતા ફ્યુચરિસ્ટ અને ઉદ્યોગપતિ ટોની સેબાએ કરી છે. સેબા સિલિકોન વેલીમાં એનર્જી કંપની ધરાવે છે અને ઘણી મોટી કંપનીઓના કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.
સેબાએ આ આગાહી સાચી પડશે તેવો દાવો છાતી ઠોકીને કર્યો છે અને તેના માટે નક્કર કારણો આપ્યાં છે. સેબાન કહેવા પ્રમાણે સોલર પાવરમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે બહુ નજીકના ભવિષ્યમાં લોકો પેટ્રોલ ડીઝલનો વપરાશ છોડીને સોલર પાવર તરફ વળશે. પરિણામે પેટ્રોલના ભાવ ગગડી જશે.
સેબાએ આગાહી કરી છે કે ઝડપથી વિકસી રહેલી સોલર એનર્જીના કારણે દુનિયા પેટ્રોલ પર નિર્ભર છે તે સ્થિતી ઝડપથી બદલાઈ જશે. સેબાએ દસ વર્ષ પહેલાં સોલર એનર્જી ઉદ્યોગમાં તેજી આવશે તેવી આગાહી કરી ત્યારે સૌ હસતા હતા કેમ કે એ વખતે સોલર એનર્જી માટેની ટેકનોલોજીની કિંમત આજથી 10 ગણી વધારે હતી.
જો કે સેબાની વાત સાચી પડી છે અને માત્ર દસ વર્ષમાં જ સોલર એનર્જીના ઉત્પાદનમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. સેબાના કહેવા પ્રમાણે આવનારા સમયમાં સોલર એનર્જીથી ચાલનારી ગાડીઓના આવવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત 25 ડોલર પ્રતિ બેરલ સુધી થઇ જશે.
સેબાએ જણાવ્યું છે કે લોકો જૂની ગાડીઓ ચલાવવાનું નહીં છોડે પરંતુ આવનારા સમયમાં બનનારાં ઇલેક્ટ્રિક વ્હીકલ અર્થવ્યવસ્થા અને જીવનનો એક મોટો ભાગ બની જશે. તેમણે કહ્યું છે કે 2030 સુધીમાં 95 ટકા લોકો પાસે પોતાની ગાડીઓ નહીં હોય કેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાવ સસ્તુ હશે તેથી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ખતમ થઇ જશે.
સેબા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એન્ટરપ્રીન્યોરશીપ, ડિસરપ્શન એન્ડ ક્લીન એનર્જી વિભાગમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. સોલર પર સેબાની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ ગઇ પછી આખી દુનિયા તેમની વાતને ગંભીરતાથી લે છે પણ પેટ્રોલ પર તેમની વાત કેટલી સાચી છે તે તો આવનારો સમય જ બતાવશે.