ભારતમાં કારનું વેચાણ વર્ષ 2016-17માં 30 લાખને પાર, ભારતના ઈતિહાસની પ્રથમ ઘટના
નવી દિલ્હીઃ ભારતમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ પ્રથમ વખત 2016-17માં 30 લાખ આંકડાને પાર કરી ગયું છે. આ સેગમેન્ટમાં 9.23 ટકાના દરે વૃદ્ધિ જોવા મળી છે. નાણાંકીય વર્ષ 2016-17માં ઘરેલુ પેસેન્જર વ્હિકલનું કુલ વેચાણ 30,46,727 યૂનિટ રહ્યું, જે વિતેલા વર્ષે 27,89,208 યૂનિટ હતું. સિઆમ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ દરમિયાન યુટિલિટી વ્હિકલનું વેચાણ ગત વર્ષની તુલનાએ 29.91 ટકા વધી 7,61,997 યુનિટ્સ થયું હતું, જે ગત વર્ષે 5,86,576 યુનિટ્સ નોંધાયું હતું. 2013 14 બાદ યુટિલિટી વ્હિકલના વેચાણમાં જોવાયેલી આ સૌથી ઊંચી વૃદ્ધિ છે. 2013 14માં યુટિલિટી વ્હિકલના વેચાણમાં 52 ટકાની વૃદ્ધિ જોવાઈ હતી.
ટુ વ્હીલરના વેચાણમાં પણ વૃદ્ધિઃ વર્ષ દરમિયાન ટુ વ્હીલર્સનું વેચાણ ગત વર્ષના 1,64,55,851થી 6.89 ટકા વધી 1,75,89,511 યુનિટ્સ નોંધાયું હતું. ટુ વ્હીલર માર્કેટમાં ટોચનું સ્થાન ધરાવતી હીરોમોટોકોર્પે અગાઉના વર્ષના 56,03,136 યુનિટ્સની તુલનાએ 1.62 ટકાની વૃદ્ધિ સાથે ગત વર્ષે 56,93,681 વ્હિકલનું વેચાણ નોંધાવ્યું હતું. પ્રતિસ્પર્ધી કંપની બજાજ ઓટોએ 2015 16ના 18,98,957 યુનિટ્સના વેચાણની સરખામણીએ ગત વર્ષે 5.39 ટકાની વૃદ્ધિ સાથે 20,01,391 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
સિઆમના ડિરેક્ટર જનરલ વિષ્ણુ માથુરે જણાવ્યું હતું કે કન્વેન્શનલ કાર્સની જગ્યાએ દેશમાં યુટિલિટી વ્હિકલની માગ અત્યંત ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે સ્થાનિક કારનું વેચાણ 3.85 ટકા વધી 21,02,996 યુનિટ્સ નોંધાયું હતું, જે અગાઉના વર્ષે 20,25,097 યુનિટ્સ રહેવા પામ્યું હતું. 2014 15માં કાર વેચાણમાં જોવાયેલા 5.09 ટકાના વૃદ્ધિ દર બાદ નોંધાયેલો આ સૌથી નીચો વૃદ્ધિ દર છે. હાલમાં ભારતમાં લોકપ્રિય એસયુવી મોડેલ્સમાં મારુતિ સુઝુકીની વિટારા બ્રીઝા, હ્યુન્ડાઈની ક્રેટા, રેનોની ડસ્ટર, મહિન્દ્રાની સ્કોર્પિયો તથા ફોર્ડની ઈકોસ્પોર્ટનો સમાવેશ થાય છે. નેશનલ કેપિટલ રિજનમાં મોટી ડિઝલ એસયુવીના વેચાણ પરના પ્રતિબંધ તથા નોટબંધી જેવા પડકારો છતાં ઓટો ઉદ્યોગે વૃદ્ધિ હાંસલ કરવામાં સફળતા મેળવી છે.
2016 17માં માર્કેટ લીડર મારુતિ સુઝુકીએ 14,43,641 યુનિટ્સના વેચાણ સાથે 10.59 ટકાની વૃદ્ધિ નોંધાવી પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યાર પછીના ક્રમે હ્યુન્ડાઈ મોટરે 5.24 ટકાની વેચાણ વૃદ્ધિ સાથે 5,09,705 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વેચાણમાં 0.07 ટકાના ઘટાડા સાથે 2,36,130 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. હોન્ડા કાર્સ ઈન્ડિયાને પછાડી ચોથા ક્રમે રહેનાર તાતા મોટર્સે 15.45 ટકાની વેચાણ વૃદ્ધિ સાથે 1,72,504 યુનિટ્સનું વેચાણ જ્યારે હોન્ડા કાર્સે વેચાણમાં 18.09 ટકાના ઘટાડા સાથે 1,57,313 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
વેચાણમાં જોવાયેલાં નોંધપાત્ર વધારા અંગે પ્રતિક્રિયા આપતા સિઆમના ડેપ્યુટી ડિરેક્ટર સુગતો સેને જણાવ્યું હતું કે ગયા વર્ષે પેસેન્જર, યુટિલિટી, મોટરસાઈકલ તથા સ્કૂટર્સનું વેચાણ સૌથી વધુ નોંધાયું હતું. અમે પ્રથમવાર પેસેન્જર વ્હિકલના વેચાણમાં 30 લાખનો આંકડો પાર કર્યો છે. યુટિલિટી વ્હિકલની માગમાં વધારાને પગલે પેસેન્જર વ્હિકલના વેચાણમાં વૃદ્ધિ જોવાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -