હવે રેલવેમાં પણ માણી શકાશે વિમાન જેવી સુવિધા, જાણો નવા કોચમાં કેવી હશે સુવિધા
રેલવે અધિકારીઓના કહેવા અનુસાર આ ટ્રેન બે શહેરોને રાતની મુસાફરીથી જોડવાનો ઉદ્દેશથી શરૂ કરવામાં આવશે. હમસફર એક્સપ્રેસમાં પ્રત્યેક બર્થની સાથે મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ લાગેલા રહેશે.
રેલવે અનુસાર હમસફર ટ્રેનની સીટો અન્ય રેલગાડીઓની સરખામણીએ વધુ આરામદાયક હશે. આ સીટમાં વધારે સારી ગાદી બનાવી છે. તેમજ ઉપરની બર્થ માટે વધુ આરામદાયક હેડરેસ્ટ રહેશે.
રાયબરેલીની રેલ કોચ ફેકટરીમાં ડિઝાઈન કરાયેલ નવા કોચ ચાર ગાડીઓનો હિસ્સો હશે. પાંચમી ટ્રેન માટે આવા કોચનો એક સેટ તૈયાર થઈ રહ્યો છે. તે પણ ઝડપથી આવી જશે.
દરેક સીટ પર એરલાઈનની જેમ લાઈટબાર લાગેલી હશે. સાઈડ બર્થ માટે પડદા લાગેલા હશે. જો કે અત્યાર સુધી આ પડદા હાયર કલાસમાં જ હોય છે. અત્યારે આવા નવા કોચ દિલ્હીથી ગોરખપુરની વચ્ચે શરૂ થનાર એસી- થ્રી ટાયર ટ્રેન હમસફરમાં જોડવામાં આવશે.
આ નવા એસી-થ્રી ટાયર ડબ્બામાં સીસીટીવી કેમેરા લાગેલા હશે. દરેક કોચમાં ચા અને કોફીના વેન્ડિંગ મશીન લાગેલા હશે. એટલું જ નહી દરેક ડબ્બાના દરવાજા પર જીપીએસ આધારિત પેસેન્જર ઈર્ન્ફોમેશન સિસ્ટમ લગાવાશે. આગ અને ધૂમાડા ડિટેક્ટર અને ઓટોમેટિક રૂમ ફ્રેશનર આ કોચમાં લગાવવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે કોચમાં ફેરફાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે. અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર રેલવે પોતાના કોચને આધુનિક બનાવવા માટે સૌથી પહેલા AC-IIIમાં હવે એરલાઈન્સ જેવી સુવિધા આપવાની તૈયારી કરી લીધી છે.