રિલાયન્સ જિઓની ફ્રી 'સમર સરપ્રાઈઝ ઓફર' બંધ, TRAIએ ફરમાવી મનાઈ
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈએ રિલાયન્સ જિઓ દ્વારા જિઓ પ્રાઈમ મેમ્બરશિપને 15 દિવસ વધારવા અને સમર સરપ્રાઈઝ ઓફર પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત ટ્રાઈએ સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત ત્રણ મહિનાની પ્રોત્સાહન જાહેરાત પણ પરત લેવાનો આદેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રાઇએ આજે જિઓને ૩ મહિનાની ફ્રી ઓફર 'જિઓ સમર સરપ્રાઇઝ' પાછી ખેંચી લેવા જણાવ્યું છે. જિઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ટ્રાઇના નિર્ણયને સ્વીકારીએ છીએ. જિઓ રેગ્યુલેટરના આદેશનું પાલન કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને કાર્યકારી ધોરણે શક્ય બને એટલે તરત આગામી કેટલાક દિવસમાં ત્રણ મહિનાની ફ્રી ઓફર પાછી ખેંચી લેશે.
જોકે, સમર સરપ્રાઇઝ ઓફર બંધ થયા પહેલાં તેને સબસ્ક્રાઇબ કરનારા ગ્રાહકોને તમામ લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, જિઓએ ૩૧ માર્ચે જાહેરાત કરી હતી કે, સબસ્ક્રાઇબર્સ 'જિઓ પ્રાઇમ મેમ્બર્સ' બન્યા પછી ફ્રી વોઇસ અને ડેટા સર્વિસિસનો લાભ મેળવી શકશે. જિઓએ તાજેતરમાં ગ્રાહકોને ત્રીજી વખત ફ્રી વોઇસ અને ડેટા સર્વિસિસની ઓફર કરી હતી.
જિયો તરફથી ગ્રાહકોને 31 માર્ચના રોજ એવી માહિતી આપવામાં આવી હતી કે તેની પ્રાઇમ મેમ્બરશીપ લેનારાની સંખ્યા 7 કરોડથી વધુ થઇ છે. જિયોના 10 કરોડથી વધારે ગ્રાહકો ફ્રી સર્વિસીસ લઇ રહ્યા છે.
ગયા મહિને ભારતી એરટેલ અને વોડાફોનની અરજી પર સુનાવણી કરતા ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એન્ડ એપલેટ ટ્રિબ્યુન્લ (ટીડીસેટ)એ ટ્રાઇને રિલાયન્સ જિયોની ફ્રી પ્રમોશનલ સર્વિસીસ ઓફરની ફરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
કંપનીએ સૌથી પહેલાં 'વેલકમ ઓફર' અને ત્યાર પછી 'હેપી ન્યૂ ઓફર' લોન્ચ કરી હતી. જિઓ પ્રાઇમ મેમ્બર બનવા માટે વ્યક્તિએ ૧૫ એપ્રિલ સુધી રૂપિયા ૯૯ ભરવાના હતા. ત્યાર પછી ત્રણ મહિનાની ફ્રી ઓફરનો લાભ મેળવવા તેણે ૧૫ એપ્રિલ પહેલાં રૂપિયા ૩૦૩નું રિચાર્જ કરાવવું જરૂરી હતી.
જોકે, ગુરુવારે ટ્રાઇએ કંપનીને ફ્રી ઓફર બંધ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૩૧ માર્ચે જિઓએ ૭.૨ કરોડ ગ્રાહકોની સંખ્યા જાહેર કરી હતી. સમર સરપ્રાઇઝ ઓફરના કારણે તેના ગ્રાહકોમાં વધુ વૃદ્ધિનો અંદાજ હતો. જોકે, ટ્રાઇના આદેશને કારણે જિઓના વધુ ગ્રાહકો ઉમેરવાના પ્રયાસોને ફટકો પડી શકે. જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓને રાહત મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -