દાહોદઃ ગાંગરડા ગામના 36 વર્ષીય યુવકે નગ્ન થઈને તળાવમાં ઝંપલાવી દેતા આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગત 19મી તારીખે બપોરે યુવકે તળાવમાં ઝંપલાવ્યું હતું. જોકે, ત્રણ દિવસ પછી પણ યુવકની લાશ ન મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. વડોદરા એનડીઆરએફ અને અમદાવાદ કોર્પોરેશનની ચાર ટીમના 50 તરવૈયાની શોધખોળ પછી પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

આ અંગેની વિગતો એવી છે કે, ગાંગરડાના તોરણ ફળિયામાં રહેતા નરેશભાઈ પશવાભાઈ પરમાર(ઉં.વ.36) બીમાર હોવાથી ગત 19 ડિસેમ્બરે પત્ની સુમિત્રાબેન ગામમાં ભૂવા પાસે લઈ ગયા હતા. સારવાર પછી નરેશભાઈ ભૂવાના ઘરેથી જ સંપૂર્ણ નગ્ન થઇને દોડીને તળાવમાં કુદી ગયા હતા. આ પછી તેઓ બહાર ન આવતાં અને નરેશભાઇ ડૂબી જવાનું જણાતા ગરબાડા પોલીસે દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે, તપાસ પછી કોઈ પત્તો ન લાગતા બીજા દિવસે દેવગઢ બારિયાની ટીમ પણ શોધખોળમાં જોતરાઇ હતી.

આ પછી 22મી ડિસેમ્બરે વડોદરા એન.ડી.આર.એફ અને અમદાવાદ કોર્પોરેશનની ટીમ પણ શોધખોળમાં જોતરાઇ હતી. ચાર જેટલી ટીમના 50 કર્મચારીઓની પાણીમાં શોધખોળ છતાં હજુ સુધી નરેશભાઇનો કોઈ પત્તો મળ્યો ન હતો. ઘટનાસ્થળે ગરબાડા પીએસઆઇ ઉપરાંત અધિકારીઓ ખડેપગે જોવા મળ્યા હતા.

પાણીમાં ડૂબી ગયાના અમૂક સમય પછી લાશ પાણીની સપાટી પર આવી જતી હોય છે, ત્યારે ત્રણ દિવસ પછી પણ વ્યક્તિનો મૃતદેહ ન મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.