ગીર સોમનાથ: ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


મહેસાણામાં કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા


મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. ઘઉનો પાક એકઠો કરવાા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


રાજકોટના ભાયાવદરમાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા


રાજકોટ જિલ્લાના ભાયાવદરનાં મોટીના પાનેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભત્રીજો જીલ ભાલોડીયા નશાનાં રવાડે ચડી ગયો હોવાનું કાકા ચેતનભાઈએ પરિવારને કહેતા ભત્રીજાએ હૂમલો કર્યો હતો. ચેતનભાઈ ભાલોડિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન ચેતનભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમા ભત્રીજાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


બાવળા-ધોળકા રોડ પર અજાણ્યા લોકોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ઉતાર્યો મોતને ઘાટ


બાવળા-ધોળકા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે.  આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, આ હત્યા કેમ કરવામાં તેની માહિતી સામે આવી નથી.