Crime News: રાજકોટના આજીડેમ ચોકડી પાસે કન્ટેનરની અડફેટે ૩ લોકોના મોત થયા છે. જો કે, પ્રથમ નજરે આ અકસ્માતની ઘટના હોય તેમ લાગતું હતું. જો કે, બાદમાં જે ઘટસ્ફોટ થયો તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. હકિકતમાં આ કોઈ અકસ્માત નહોતો પણ હત્યા હતી. પતિએ જ તેની પત્નિ,પત્નીના પ્રેમી અને બાળક ઉપર કન્ટેનર ચડાવી હત્યા કરી નાખી હતી. જે બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.




આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના આજીડેમ ચોકડી પાસે કન્ટેઈનરે બાઈકને અડફેટે લેતા બાળક સહિત ત્રણના મોત થયા હતા. મૃતક મહિલા અને પુરૂષ કેટરિંગમાં કામ કરતા હતા. જો કે, હત્યાનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે અકસ્માતમાં ઘાયલ પ્રેમી નવનીત વરુ મરતા મરતા બોલી ગયો કે પોતાની પ્રેમિકાના પતિએ જ કન્ટેનર માથે ચડાવી દીધું છે. આરોપી પ્રવીણ દાફડા કન્ટેનર ચલાવતો હતો. પત્ની,પ્રેમી અને પુત્ર છ મહિનાથી સાથે રહેતા હતા. યુવતીના પતિએ જ હત્યા કરવાના ઈરાદે ટ્રક એક્ટિવા પર ચડાવી પત્ની પારુલ, પત્નીના પ્રેમી નવનીત અને પોતાના 10 વર્ષના બાળક ઉપર ટ્રક ચડાવી દઈ હત્યા કરી  નાખી હતી.


હાલમાં ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. મૃતકમાં 24 વર્ષીય પ્રેમી નવનીત વરૂ અને તેમની પ્રમિકા 32 વર્ષીય પારુલ દાફડા નામની મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતક બાળકની ઉંમર 10 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે રુવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 




આ હત્યાની ઘટનાની જાણ એમ્બ્યૂલન્સને કરવામાં આવતા 108ની ટીમ દોડી ગઈ હતી અને સ્થળ પર મોત જાહેર કરતા આજી ડેમ પોલીસને જાણ કરી હતી. સુત્રોમાંથી જાણવા મળેલ છે કે, મૃતક મહિલા અને પુરુષ કેટરિંગ કામ કરતા હતા. આ અંગે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે, ટ્રક ચાલક બીજું કોઈ નહીં પણ મૃતક મહિલાનો પતિ હતો. જેથી પૂછપરછ અને મૃતકોના સગા સંબંધીઓની પૂછપરછમાં ખુલ્યું કે, મૃતક મહિલાને નવનીત રામજીભાઈ વરૂ સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે જ  પત્ની પારુલ અને તેમન પતિ પ્રવીણ દાફડા સાથે માથાકૂટ ચાલતી હતી. 


જે બાદ પતિએ બદલો લેવાના ઈરાદાથી ત્રણેય પર કન્ટેનર ચડાવી દીધું હતું. અકસ્માત જોતા પોલીસ નિષ્કર્ષ ઉપર આવી છે કે, પારુલના પતિએ હત્યા કરવાના ઇરાદે ટ્રક સ્કૂટર ઉપર ચડાવી પારુલ, નવનીત અને એક બાળકની હત્યા નિપજાવી છે. આ અંગે આજીડેમ પોલીસના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આઇપીસી 302 વગેરે કલમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.