India vs New Zealand Innings highlights: ધર્મશાલા મેદાનમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા ડેરિલ મિશેલે 127 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી સૌથી વધુ 130 રન બનાવ્યા હતા. આ સાથે રચિન રવિન્દ્રએ 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 75 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.






ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં ગુમાવી બે વિકેટ, ત્રીજી વિકેટ માટે મોટી ભાગીદારી


ન્યુઝીલેન્ડે 8.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં ઓપનર ડેવોન કોનવેના રૂપમાં કિવી ટીમને પહેલો ઝટકો આપ્યો હતો, જે 9 બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ 9મી ઓવરના પ્રથમ બોલ પર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમી રહેલા મોહમ્મદ શમીએ વિલ યંગને બોલ્ડ કર્યો હતો. યંગે 3 ચોગ્ગાની મદદથી 17 (27 બોલ) રન બનાવ્યા હતા.


આ પછી ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્રએ ત્રીજી વિકેટ માટે 159 (152 બોલ)ની ભાગીદારી કરી હતી. મોહમ્મદ શમીએ 34મી ઓવરમાં રચિનને ​​આઉટ કરીને આ ભાગીદારીને તોડી હતી. રચિને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 75 રન (87 બોલ) બનાવ્યા હતા. જોકે, અગાઉ જ્યારે રચિન માત્ર 12 રનના સ્કોર પર હતો ત્યારે રવિન્દ્ર જાડેજાએ મોહમ્મદ શમીના બોલ પર તેનો કેચ છોડીને તેને જીવનદાન આપ્યું હતું. મિશેલ અને રચિન વચ્ચેની ભાગીદારી જોઈને એક સમયે એવું લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ સરળતાથી 300નો આંકડો પાર કરી જશે, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. 


ત્યારબાદ ભારતીય બોલરોએ કિવી બેટ્સમેનોને સેટ થવા દીધા ન હતા અને ઝડપથી તેમને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. 37મી ઓવરમાં 05 રન પર કેપ્ટન ટોમ લેથમ, 45મી ઓવરમાં 23 રન પર ગ્લેન ફિલિપ્સ, 47મી ઓવરમાં 06 રન પર માર્ક ચેમ્પમેન, 48મી ઓવરમાં મિશેલ સેન્ટનર 01 રન, મેટ હર્ની 00 રન, ડેરિલ મિશેલ 130 રન અને લોકી ફર્ગ્યુસન 1 રન પર આઉટ થયો હતો.


ભારતીય બોલિંગ 


ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 10 ઓવરમાં 54 રન આપ્યા હતા. આ સિવાય કુલદીપ યાદવને બે સફળતા મળી હતી.  જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી.