Crime News: ડાયમંડ નગરી સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સૂરત શહેરના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા અરેરાટી મચી ગઈ છે. પિન્ટુ નવસારીવાલા નામના વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સૂર્યા મરાઠી ગેંગના સંભ્યએ હત્યાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.
6 જેટલા ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હત્યારાઓએ યુવકને જૂની અદાવતની પતાવટ માટે ફોન કરી બોલાવ્યો હતો. એવી પણ વાત સામે આવી છે કે, હત્યારાઓ અને મૃતક ક્રિકેટના સટ્ટા સાથે પણ જોડાયેલા હતા. હાલમાં ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક યુવક પીન્ટુ નવસારીવાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ એવું જાણવા મળ્યું હતું કે, પીન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવી છે. જેમાં તેમના જ મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીમાં અણબનાવ બનતા મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં છરીના ઘા ઝિંકી યુવકની હત્યા કરવામાં આવી છે.
તો બીજી તરફ હત્યા નિપજાવનાર હત્યારાઓ સુરતની માથાભારે ગેંગ સૂર્યા મરાઠીના માણસો હોવાનું હાલ સામે આવી રહ્યું છે, તો મૃતક પીન્ટુ નવસારીવાળા પોલીસનો બાતમીદાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પીન્ટુ જમીનની લે-વેચ સહિત ફાયનાન્સના ધંધા સાથે પણ જોડાયેલો હતો. હત્યા કરનાર આરોપીઓ અને મરનાર પીન્ટુ એકબીજાના મિત્રો જ હતા અને તેમના વચ્ચે રૂપિયાને લઇ છેલ્લા થોડા દિવસોથી બબાલ ચાલી રહી હતી.
સુરતમાંથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. સુરતના કડોદરા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી છે, જેમાં બન્નેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. મૃતક યુવક અને યુવતી બન્ને મધ્યપ્રદેશના હતા અને છેલ્લા એક વર્ષથી સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા હતા. માહિતી પ્રમાણે, સુરતમાં પ્રેમી પંખીડાએ રેસિડેન્ટ કૉમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી છે. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી સરગમ કોમ્પ્લેક્ષના તૃપ્તિ રેસિડેન્સીમાં આ ઘટના ઘટી છે. છેલ્લા એક વર્ષથી મધ્યપ્રદેશના મંદસોરનું એક પ્રેમી પંખીડા કપલ કડોદરા વિસ્તારમાં આવીને રહી રહ્યું હતુ, આ પ્રેમી પંખીડાને મધ્ય પ્રદેશ પોલીસ ત્યાંથી શોધતી શોધતી અહીં પહોંચી હતા, મધ્ય પ્રદેશ પોલીસ સુરત પોલીસની સાથે જ્યારે તૃપ્તિ રેસિડેન્સીમાં તેમના રૂમની બહાર પહોંચી અને દરવાજો ખખડાવી રહી હતી, તે સમયે પ્રેમી પંખીડાએ બિલ્ડિંગના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. બાદમાં બન્નેને શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી સંજીવની હૉસ્પીટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.