Road Accident In Jammu Kashmir: જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાંબા જિલ્લામાં એક પેસેન્જર બસ બીજી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી સાતની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, બંને બસો (JK02AP/5095 અને UP14FT/3267) કઠુઆ તરફ જઈ રહી હતી.


સાંબા પોલીસે જણાવ્યું કે જમ્મુથી કઠુઆ જતી લોકલ બસ અને જમ્મુથી હરિદ્વાર જતી બીજી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માત જમ્મુ-પઠાણકોટ નેશનલ હાઈવે પર સાંબા શહેર નજીક ચીચી માતાના મંદિર પાસે થયો હતો. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ સાત લોકોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.


મૃતકોમાં એક બાળક પણ સામેલ


મૃતકોની ઓળખ સાંબાના રહેવાસી કસૂરી લાલ રાજપુરા, બટાલા પંજાબની રહેવાસી મહિલા માંગી દેવી અને બટાલા પંજાબની રહેવાસી બાળકી તાનિયા તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઉત્તર પ્રદેશ જતી બસના ફુરચા ઉડી ગયા હતા. જમ્મુથી હરિદ્વાર જઈ રહેલી બસ નાનકે ચક પાસે પહોંચી ત્યારે આ અકસ્માત થયો અને પાછળથી આવતી સુપરફાસ્ટ બસે તેને જોરદાર ટક્કર મારતાં ડ્રાઈવરે બસ ધીમી કરી.


મૃતકોના પરિજનોને એક-એક લાખ રૂપિયા મળશે


સ્થાનિક લોકો અને પોલીસની મદદથી લગભગ 18 ઘાયલોને સાંબા જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ તરત જ ડેપ્યુટી કમિશનર સાંબા અનુરાધા ગુપ્તા સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘાયલોની હાલત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જીલ્લા કમિશ્નર સાંબાએ અકસ્માતમાં જીવ ગુમાવનારના પરિવારજનોને એક-એક લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર અને નાના ઈજાગ્રસ્તોને 10 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.