T20 World Cup 2022: ભારતીય ટીમ ગુરુવારે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઇંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ટીમ ઈન્ડિયા સામેની મેચમાં રમશે કે કેમ તે હજુ સુધી નક્કી નથી. માર્ક વુડ ઇજાગ્રસ્ત થયો છે.
માર્ક વુડના બદલે ક્રિસ જોર્ડનને મળી શકે છે તક
જો ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ભારત સામેની મેચમાં નહીં રમે તો ઓલરાઉન્ડર ક્રિસ જોર્ડનને તક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્ક વુડ ઈજાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. ભારત સામે આ બોલરનું રમવું શંકાસ્પદ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભારત સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ક્રિસ જોર્ડનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા પાકિસ્તાને પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 153 રન ફટકારી મેચ જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે.