એડિલેડઃ ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 10 નવેમ્બર (ગુરુવાર)ના રોજ એડિલેડ ઓવલમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.






ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજ દરમિયાન પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે પાકિસ્તાન, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. જ્યારે તેને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઇગ્લેન્ડે સુપર-12 સ્ટેજમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. આ સાથે જ તેને આયરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની મેચ પણ ધોવાઈ ગઈ હતી.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઇગ્લેન્ડે  10 મેચ જીતી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે જેમાંથી ભારતે બેમાં જીત મેળવી છે. 2009 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.


રોહિત પાસેથી મોટી ઇનિંગ્સની આશા


સેમીફાઇનલ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ સારુ પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્માએ પોતે પણ સારી રમત બતાવવી પડશે. રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે પાંચ મેચમાં 17.80ની એવરેજથી માત્ર 89 રન જ બનાવી શક્યો છે. હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓના ફોર્મમાં પણ સાતત્યનો અભાવ છે. ભારત માટે સારી બાબત એ છે કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ફોર્મમાં છે અને તે સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે.


ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ લયમાં પાછો ફર્યો છે. સેમીફાઈનલમાં ભારતને ફરી એકવાર પોતાના બોલરો પાસેથી સારી રમતની આશા છે.


એડિલેડમાં કોહલીનો રેકોર્ડ


એડિલેડ ઓવલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. કોહલીએ અહીં તમામ ફોર્મેટમાં કુલ 5 સદી ફટકારી છે. કોહલી દ્વારા કોઈપણ મેદાન પર આ સૌથી વધુ સદી છે. ભારતીય ટીમ આ મેદાન પર બે T20 મેચ રમી છે જેમાં તેણે જીત મેળવી છે. વર્ષ 2016માં ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 37 રનથી જીત મેળવી હતી. ત્યાર બાદ વર્તમાન T20 વર્લ્ડ કપમાં પણ ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું.


એડિલેડની પીચ બેટિંગ માટે યોગ્ય


એડિલેડ ઓવલની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 175થી વધુ રહ્યો છે. સ્પિનરોને પણ અહીં મદદ મળે છે અને તેઓએ તમામ T20માં ત્રણસોથી વધુ વિકેટ લીધી છે, જે ઓસ્ટ્રેલિયાના કોઈપણ મેદાન પર સૌથી વધુ છે.