સુરત: બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે. મહત્વની વાત છે કે આરોપી અનિલ સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ રાજકોટમાં બે, બનાસકાંઠામાં એક અને વલસાડમાં એક ગુનો નોંધાયો છે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અનિલ કાઠીએ જો કોઈને ધમકાવ્યા હોય કે તેમની સાથે ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તે વ્યક્તિ સુરત પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 


બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાર મહિના અગાઉ એટલે કે 10 ઓક્ટોબર 2023ના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી. મફા પટેલ તેમજ તેની પત્ની હરિબેન પટેલ બાઇક પર થરાદ સેસન્સ કોર્ટની મુદત પતાવીને ઘરે પરત ફરતા હતા. તે સમયે ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ, દશરથ બારોટ તેમજ અન્ય ત્રણ ઈસમોએ બોલેરો કાર તેમજ કારમાં મફા પટેલની બાઇકનો પીછો કર્યો અને કાર વડે બાઇકને ટક્કર મારી દીધી અને ત્યારબાદ મફા પટેલ પર કાર ચડાવી અને આડેધળ ગોળીઓ વરસાવી અને ચપ્પુના ઘા ઝીંકી મફા પટેલની હત્યા કરી નાખી હતી.


આ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેમાં અનિલ કાઠી નામનો ઈસમ વોન્ટેડ હતો.  તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી મુંબઈમાં છે. તેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અલગ-અલગ ટીમો મુંબઈ રવાના કરવામાં આવી હતી અને બાતમીના આધારે મુંબઈ વિરાર હાઇવે ઉપરથી અરવિંદ કાઠીની ધરપકડ કરવામાં આવી છે.  મહત્વની વાત છે કે અનિલ કાઠી સુરતનો રહેવાસી છે. આ ઉપરાંત તેની સામે સુરત રાંદેર પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, વરાછા, ઉમરા અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અલગ અલગ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 


બીજી તરફ વાપી જીઆઇડીસી અને રાજકોટ ગાંધીગ્રામ તેમજ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. આમ અનિલ કાઠી સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયા છે.  બીજી તરફ સુરત પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે, અરવિંદ કાઠી દ્વારા જો કોઈ નાગરિક સાથે ગુનાહિત વ્યવહાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈને ધાક ધમકીઓ આપવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 


મહત્વની વાત છે કે અનિલ કાઠી ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ધાક ધમકી, પ્રોહીબીશન અને જમીનના કબજા સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચુક્યો છે અને જુનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત તેની પાસા હેઠળ અટકાયત પણ થઈ છે. બનાસકાંઠાના કેસમાં મૃતક મફા પટેલે વર્ષ 2016માં ભગીરથ બારોટના પિતાની હત્યા કરી દીધી હતી અને આ બંને પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો. ત્યારે ભગીરથે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે સુરતના અનિલ કાઠીને સોપારી આપી હતી અને મફા પટેલ પેરોલ ઉપર જેલમાંથી બહાર આવતા અનિલ કાઠીએ પોતાના માણસોને સાથે રાખીને તેમજ ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ દશરથ બારોટે ભેગા મળી મફા પટેલની હત્યા કરી નાખી હતી.