AHMEDABAD : ફેસબુક પર રેન્ડમલી વેપારીઓને શોધી રો મટીરીયલ આપવાની ડિલ કરી કેમિકલની જગ્યાએ પાણી આપી દઈ ઠગાઈ કરનાર નાઇઝીરિયન ગેંગના આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીએ અત્યારે એક વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે પણ પોલીસને શંકા છે કે આવા અનેક ભોગ બનનાર વેપારીઓ હોઈ શકે છે.


આરોપીની મુંબઈથી ધરપકડ 
ફઝલશરીફ સૈયદ નામનો  આરોપી હાલ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં છે, જેની 1.24 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઈથી ધરપકડ કરાઈ છે.આરોપી મૂળ નાઇજિરિયન ગેંગનો સભ્ય છે, જે અનેક વેપારીઓ સાથે ઠગાઈ આચરી ચુક્યો છે.આરોપી જે ગેંગ સાથે સંકળાયેલો છે તે ગેંગ અલગ અલગ વેપારીઓનો ફેસબુક થકી સંપર્ક કરતા. બાદમાં કેમિકલ કંપની કે જે ફાર્મા કંપની સાથે કામ કરે છે તેના ઇન્સ્પેક્ટરની ઓળખ આપતા.


કેવી રીતે ફસાવતા વેપારીને? 
કંપનીને દવા બનાવવા કાચા મટીરીયલ ની જરૂર હોવાથી પ્લુકેન્ટીયા ઓઇલ તેમજ સિડ્સ અને બિયારણની જરૂરિયાત હોવાનું જણાવી મુંબઈની કંપની સાથે સંકળાયેલ હોવાનું કહી વેપારીને ભરોસો આપતા.જો વેપારી સીધો તે કંપની સાથે કોન્ટેક્ટ કરે તો તેને નોકરીમાંથી બરતરફ કરી દેશે તેવી વાત કરી રો મટીરીયલ લઈ ઊંચા ભાવે મુંબઈની કંપનીને આપવાનું કહી આ ગેંગ ઠગાઈ આચરતી હતી.  


આરોપીની મદદ કરનાર  ફરાર 
ઝડપાયેલા આરોપી નાઇઝીરિયન ગેંગ સાથે સંકળાયેલ છે અને આંગડિયા પેઢીમાંથી થતા વેપારીઓના વ્યવહાર પર નજર રાખતો હતો. આરોપી વેપારી સાથે થયેલા સવા કરોડના ચિટિંગના ગુનામાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો હતો.જે બાબત તપાસમાં સામે આવતા સાયબર ક્રાઇમે આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 10 મોબાઈલ, 11 સીમકાર્ડ અને ઇન્ટરનેશનલ સીમકાર્ડ કબ્જે કર્યું છે.ઝડપાયેલ આરોપીની સાથે ઇલા વિલીયમ્સના નામનું બનાવતી આઈડી ધરાવનાર સીમા જૈન અને ખાનગી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપનાર બે આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.


સોશિયલ મીડિયાથી વેપારીઓને ટાર્ગેટ કરે છે 
નાઇઝીરિયાથી ઓપરેટ થતી આ ગેંગ વેપારીઓ સાથે સંપર્ક બનાવવા સોશિયલ  મીડિયાનો સહારો લે છે અને સોશ્યલ મીડિયા થકી જ વેપારીને ભોગ બનાવતા હોવાનું સામે આવ્યું છે.જેથી સાયબર ક્રાઇમ દ્વારા  સોશિયલ મીડિયા પર આવા અજાણ્યા લોકો સાથે વાત ન કરવા પોલીસ અપીલ કરી રહી છે.