અમદાવાદઃ ગત 14મી ફેબ્રુઆરીએ કોચરબ ગામની ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતી ગાડીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવેલા તાજા જન્મેલા મૃત બાળક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. અનૈતિક સંબંધથી બાળકીનો જન્મ થયો હોવાથી ખૂદ માતાએ જ બાળકીની હત્યા કરીને લાશ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફેંકી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં યુવતીની ધરપકડ કરી લીધી છે.
આ અંગેની વિગતો એવી છે કે, આરોપી યુવતીના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેનું સાસરું ઉત્તર પ્રદેશમાં છે. તેમજ તે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જ્યારે તેનો પતિ અમદાવાદ ખાતે સિક્યુરિટીમાં નોકરી કરતો હતો. આથી તે પણ પતિ સાથે અમદાવાદ ખાતે રહેવા આવી ગઈ હતી.
દરમિયાન તે અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધથી ગર્ભવતી થઈ હતી. જેની જાણ પતિને થતાં તેણે પત્ની સાથે ઝઘડો પણ કર્યો હતો. તે 6 મહિનાથી અમદાવાદમાં પતિ સાથે રહેતી હતી અને પાલડીની જ હોસ્પિટલમાં તેણે પ્રેગ્નન્સીની સારવાર પણ કરાવી હતી.
ગત 13મી ફેબ્રુઆરીએ યુવતીને પ્રસુતિની પીડા ઉપડી હતી અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, બાળકી અનૈતિક સંબંધથી થઈ હોવાથી પતિ કાઢી મુકશે તેમ વિચારી તેણે નવજાત બાળકીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી તેમજ તેની લાશ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બાથરૂમમાં મૂકી દીધો હતો. તેમજ પતિ ઘરે આવે તે પહેલા તેણે કચરાની ગાડીમાં આ થેલી નાંખી દીધી હતી.
બીજી તરફ, એએમસીમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ડ્રાઈવરને ૧૪ ફેબુ્રઆરીના રોજ કોચરબ ગામ ખાતેની કચરા ગાડીમાંથી પ્લેસ્ટીકની થેલીમાંથી તાજુ જન્મેલુ મરણ પામેલુ બાળક મળી આવ્યું હતું. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંચે બાળકીના મૃતદેહ મુદ્દે જીણવટ ભરી તપસા કરતાં તેઓ આરોપી મહિલા સુધી પહોંચી ગયા હતા અને તેને ઝડપી લીધી હતી.