અમદાવાદ : અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા

  સોફ્ટવેર એન્જીનીયરની તેના જ મિત્રોએ હત્યા કરી નાંખી હોવાનો ધડાકો થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન લાપત્તા થયેલા યુવકની શોધ કરાઈ ત્યારે તેમનો  મોબાઇલ બંધ હતો પરંતુ તેના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન નાણાં  ટ્રાન્સફર થઇ રહ્યાં હતાં. તેના આધારે બોપલ પોલીસે તપાસ કરતાં ખબર પડી કે તેના મિત્રોએ લાખો રૂપિયા પડાવી લેવાના ઇરાદે મિત્રની હત્યા કરી નાંખી હતી.


યુવકના મિત્રોએ તેને મધ્યપ્રદેશ ફરવા બોલાવીને ઓનલાઇન એકાઉન્ટની માહિતી મેળવીને વિદીશા પાસે જ કારમાં મોતને ઘાટ ઉતારીને લાશને ફેંકી દીધી હતી. બોપલ પોલીસે આ અંગે બે આરોપીઓની ધરપકડ કરીે છે. અન્ય એક આરોપીને ઝડપી લેવા માટે મધ્યપ્રદેશમાં તપાસ શરૂ કરવામાં આવી છે.


શહેરના સાઉથ બોપલમાં આવેલા ઓર્ચિડ એલીગન્સમાં અંકિત મહેતા , તેમની  પત્ની સંધ્યા અને પુત્ર સાથે રહેતા હતા. અંકિત મહેતા અમદાવાદમાં એક જાણીતી  આઇટી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરતા હતા. 9 નવેમ્બરના રોજ દિવાળીની રજાઓ હોવાથી તે પત્ની સંધ્યા અને પુત્રને દાહોદ  વતનમાં મૂકવા ગયા હતા. એ પછી તે  અમદાવાદ ખાતે ઓફિસનું કામ બાકી હોવાથી બે દિવસ બાદ આવવાનું કહીને  કાર લઇને અમદાવાદ જવા માટે નિકળી ગયા હતા.  તેમણે અમદાવાદ પહોંચ્યા બાદ પત્ની સાથે વાત પણ કરી હતી.   


અમદાવાદ પહોંચ્યા પછી  સાંજ બાદ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. સંધ્યાએ અમદાવાદ પાડોશીઓને અને મિત્રોને ફોન કરીને ઘરે તપાસ કરવા માટે જાણ કરી હતી પણ પત્તો ના લાગતાં બોપલ પોલીસ મથકે અંકિતના લાપત્તા થવા અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. અંકિતનો મોબાઇલ 10 નવેમ્બર સાંજથી સતત બંધ આવતો હતો. પોલીસે તેના બેંક એકાઉન્ટની તપાસ કરી ત્યારે  અંકિતના બેંક એકાઉન્ટમાંથી નાણાં મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા  વિવિઘ  ગ્રાહક સેવા કેન્દ્રના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરીને નાણાં ઉપાડવામાં આવી રહ્યાં હોવાની જાણ થઈ હતી.


બોપલ પોલીસે મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇને તપાસ કરીને મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાંથી વાસુ સૈની અને  સાગર જિલ્લામાંથી  વાસુના પિતરાઇ ભાઇ  અમિત સૈનીની અટકાયત કરી હતી. આકરી પૂછપરછમાં કરતાં તેમણે કબૂલ્યું કે,  અંકિત મહેતાને વાસુ, અમિત  તેમજ સમ્રાટ સાથે મિત્રતા હતી.  તેમને ખબર હતી કે, અંકિતના બેંક એકાઉન્ટમાં લાખોની રકમ છે અને તે ઓનલાઇન નાણાંકીય વ્યવહાર કરે છે. 


તેમણે આ નાણાં લેવા માટે કાવતરૂ રચીને અંકિતને બે દિવસ માટે મધ્યપ્રદેશ ફરવા લઈ ગયા હતા.  વિદીશા જિલ્લામાં પહોંચ્યા ત્યારે વાસુએ અંકિત પાસેથી બેંકનો પાસવર્ડ અને યુપીઆઇ આઇડી તેમજ અન્ય વિગતો માંગી હતી. અંકિતે ઇન્કાર કરતાં તેને  ફટકાર્યો હતો.  ડરીને અંકિતે વિગતો આપતાં  વાસુ તેમજ અન્ય બે આરોપીઓએ તેનું ગળુ  દબાવીને કારમાં જ મોતને ઘાટ ઉતારીને લાશને ફેંકી દીધી હતી.  


આ પછી તેમણે અંકિતના બેંક એકાઉન્ટમાંથી નાણાં ગ્રાહક સેવા કેન્દ્રના બેંક એકાઉન્ટમા ટ્રાન્સફર કરીને ઉપાડવાનું શરૂ કરી દીધુ હતુ.  દરમિયાન પોલીસે વિદીશા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે  20  નવેમ્બરના રોજ તેમને વિકૃત થયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો  પણ તેની ઓળખ થઇ શકી નહોતી. પોલીસને સંધ્યાએ આપેલી વિગતોના આધારે કપડાને આધારે અંકિતનો મૃતદેહ હોવાનું સાબિત થયું હતું . આ અંગે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે  વાસુ અને તેના પિતરાઇ ભાઇ અમિતના પાંચ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી રૂપિયા બે લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.