નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નીચે ગેંગરેપની ઘટના બની છે. આ ઘટના 21 જૂલાઈની રાતની હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એક મહિલાનો ઓળખીતો હોવાનું કહેવાય છે. રેલવે ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 પર ઈલેક્ટ્રીકલ મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા 30 વર્ષીય પીડિતા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તમામ 4 આરોપીઓ ઇલેક્ટ્રિક વિભાગમાં રેલવે કર્મચારી છે.






આ ઘટના 22 જૂલાઇની રાત્રે 12.30 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ગેંગ રેપની ઘટના ટ્રેનની લાઇટિંગ હટમાં બની હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનના એક રૂમમાં બે લોકોએ તેના સાથે બળાત્કાર કર્યો છે. આ કોલ પહેલીવાર PS ODRS પર લગભગ 02:27 વાગ્યે આવ્યો હતો. ત્યાંના સ્ટાફે ફોન કરનાર મહિલાની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે મહિલા નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર ઊભી છે.






ઘટનાની માહિતી મળતાં જ એસએચઓ એનડીઆરએસ સ્ટાફ સાથે પ્લેટફોર્મ નંબર 8-9 પર પહોંચ્યા હતા. જ્યાં ફોન કરનાર પીડિતા હાજર હતી. ફરીદાબાદની રહેવાસી પીડિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી તેના પતિથી અલગ છે અને છૂટાછેડા માટે કોર્ટમાં કેસ લડી રહી છે. નોંધનીય છે કે લગભગ એક અઠવાડિયા પહેલા દિલ્હીના વસંત વિહારમાં એક સગીરા પર ગેંગરેપ થયો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.


રેલવેમાં નોકરી અપાવવાની મહિલાને લાલચ આપી


વાસ્તવમાં આરોપીઓમાં એક મહિલાનો પરિચીત હતો જેણે રેલવેમાં નોકરી અપાવવાના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા હરિયાણાના ફરીદાબાદ વિસ્તારની રહેવાસી છે. નોકરી અપાવવાના નામે તેણે પહેલા પોતે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તેના અન્ય સાગરિતે મહિલા પર બળાત્કાર કર્યો હતો, જ્યારે તેના અન્ય બે સાગરિતોએ બળાત્કારમાં સાથ આપ્યો હતો.