અંકલેશ્વરઃ ઉદ્યોગપતિના 3.5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઇન્ડનું નામ જાણીને લાગી જશે આંચકો!
પોલીસે સીસીટીવીને આધારે આ ચારેય લૂંટારુઓને ગોવાથી ઝડપી પાડ્યા હતા. નોંધનીય છે કે, કેમિકલ ફેકટરી અને જમીન દલાલીનું કામ કરતાં મનસુખ રાદડીયા પાસે બે કરોડ રૂપિયા જમીનના આવ્યા હતાં, જ્યારે દોઢ કરોડ રૂપિયા તેમણે અગાઉથી ભેગા કર્યા હતાં.
અંકલેશ્વરઃ જીઆઇડીસીની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા મનસુખ રાદડીયાના મકાનમાંથી પાંચ દિવસ પહેલા 3.5 કરોડની લૂંટ થઈ હતી. ચાર લૂંટારુઓએ ઘરમાં ઘૂસીને પતિ-પત્ની અને દીકરાને બેભાન કરી લૂંટ ચલાવી હતી. ત્યારે બે દિવસ પહેલા આ ચાર લૂંટારા ગોવાથી પકડાઇ ગયા હતા. જેમની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
આ રકમની તેમની પત્નીને જાણ હોવાથી તેમણે લૂંટને અંજામ આપ્યો હતો. પતિ સાથે અણબનાવ થતાં ભાડુઆત સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે સફેદ કારનો તાગ મેળવીને લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. આ લૂંટમાં ગોવાના ખંડણીખોર રાકેશ ડીસુજાએ પણ સાથ આપ્યો હતો. વડોદરા રેન્જના પોલીસ ઉપનિરીક્ષક અભય ચૂડાસમાએ પત્રકાર પરીષદમાં આ તમામ વિગતો આપી હતી.
પોલીસે ગણતરીના દિવસોમાં જ 3.5 કરોડની લૂંટનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ લૂંટનું માસ્ટર માઇન્ડ બીજું કોઇ નહીં, પરંતુ ખૂદ જમીન દલાલની પત્ની નીકળી છે. સનસનાટીભરી લૂંટમાં પોલીસને કોઈ નજીકની જ વ્યક્તિએ ટીપ આપી કાવતરાને પાર પાડ્યું હોવાની શંકા હતી. આ ચાર લૂંટારુઓ ભોગ બનનારના ઘરની સામે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.