ભરુચઃ શહેરના મહાવીર નગરમાં ખૂદ પતિએ જ પત્નીની પાવડાના ઘા મારીને હત્યા કરવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પત્નીની હત્યાના બીજા દવિસે પતિની તળાવમાંથી લાશ મળી આવી છે. ત્યારે હવે પત્નીની હત્યા પછી પતિએ આત્મહત્યા કરી કે પછી અન્ય રીતે મોત થયું તેને લઈને રહસ્ય ઘેરાયું છે. 


નોંધનીય છે કે, બુધવારે રાતે પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી હતી. હવે માતા-પિતાના મોતથી 3 દીકરીઓ નોંધારી બની છે. આ પરિવાર હજુ થોડા દિવસ પહેલા જ મહાવીરનગરમાં રહેવા આવ્યો હતો. મૂળ કરજણના અને થોડા દિવસથી ભરુચના મહાવીરનગરમાં રહેતા પરિવારમાં પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકે 12 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને લગ્ન સંબંધથી તેમને 3 દીકરીઓ છે. લગ્ન પછી તેઓ ભરુચ રહેવા આવી ગયા હતા. જોકે, પતિ પહેલાથી જ શંકાશીલ સ્વભાવનો હોવાથી પત્નીને ઘરની બહાર જવા પર પ્રતિબંધ લગાવેલો હતો અને કોઈ સાથે વાતચીત ન કરવા પણ પત્નીને સૂચના આપેલી હતી. 


આમ છતાં પણ પત્નીના અન્ય યુવક સાથે આડાસંબંધની શંકા રાખી પત્ની સાથે મારઝૂડ કરતો હતો. ત્યારે ગત રમજાન માસમાં પત્નીને માર મારતાં ભાઈ બહેન અને ત્રણેય ભાણીને ઘરે લઈ આવ્યો હતો. આ પછી સમજાવટ થતાં ફરીથી તમામને પતિ સાથે મોકલ્યા હતા. 


તેમજ તેઓ થોડા સમય પહેલા મહાવીરનગર ખાતે રહેવા આવ્યા હતા. દરમિયાન ગત બુધવારે રાતે પતિ-પત્ની વચ્ચે ફરી આડાસંબંધની શંકાને પગલે ઝઘડો થયો હતો. આ સમયે પતિએ ઉશ્કેરાઇને પત્નીના માથામાં પાવડાના ઘા મારતાં તેનું મોત નીપજ્યું હતું. પત્નીનું મોત થતાં પતિ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસ આરોપી પતિ સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, હવે શકમંદ પતિની લાશ મળી આવતાં હત્યાનું રહસ્યું ઘુંટાઇ રહ્યું છે. 


ગઈ કાલે શુક્રવારે બપોરના સમયે પરિણીતાના પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ત્રણ કલાકની જહેમત પછી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવી છે. લાશનો બાંધો અને પહેરેલા કપડા પરથી મૃતકની ઓળખ કરવામાં આવી હતી.