દેશમાં રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૫.૫૦નો વધારો થયાના બીજા દિવસે શુક્રવારે પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થયો છે. પરિણામે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. દેશમાં બે મહિનામાં પેટ્રોલ પ્રતિ લીટર અંદાજીત નવ રૂપિયા મોંઘું થયું છે.
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પગલે પેટ્રોલ અને ડીઝલમાં ૧૮ દિવસ સુધી ભાવવધારો અટકાવી રખાયા પછી ૪થી મેથી નિયમિત સમયાંતરે ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ૩૩ વખત થયેલા ભાવ વધારામાં પેટ્રોલ પ્રતિ લીટર ૮ રૂપિયા ૭૬ પૈસા અને ડીઝલ ૩૨ વખતના ભાવવધારામાં ૮ રૂપિયા ૪૫ પૈસા મોંઘું થયું છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૩૪ પૈસા વધીને ૯૬ રૂપિયા ૯૬ પૈસા થયો. તો આ તરફ દેશની મેટ્રો સિટીમાં મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને પૂણેમાં ગયા મહિને પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થયો હતો. દેશમાં ૧૧ રાજ્યોમાં પેટ્રોલે ૧૦૦ની સપાટી વટાવી છે. હવે પંજાબ અને કેરળમાં કેટલાક સ્થળો પર પેટ્રોલે ૧૦૦ની સપાટી વટાવી છે. પંજાબના જલંધરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા ૨૨ પૈસા જ્યારે કેરળના થિરુવનંતપુરમમાં ૧૦૧ રૂપિયા ૧૪ પૈસા થયો છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર