ભાવનગરઃ શહેરમાં એક સગીર પછી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.  પરિમલ વિસ્તારમાં યુવતીની હત્યા થઈ ગઈ છે. યુવતીની તેના જ ઘરમાં હત્યા કરી ગોદડામાં લપેટી દેવાઈ હતી. યુવતીની હત્યાને ગોદડામાં લપેટી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. કોણે અને શા કારણે હત્યા કરાઈ તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 


ભાવનગરમાં ગુરુવારે સવારે વરતેજ સીદસર રોડ પર  એક નાળા પાસે સગીરની હત્યા થયેલી લાશ મળી આવી હતી જયારે સાંજે તખ્તેશ્વર પાસેના ફલેટમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ભાવનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી બંને હત્યા માતા-પુત્રની થઇ હોવાનું અને એક જ વ્યકિતએ કરી હોવાનું તેમજ બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાની થિયરી પર વધુ તપાસ હાથ ધરી હોવાનો દાવો એક સ્થાનિક અખબારના અહેવાલમાં કારાયો છે. 


સાંજે તખ્તેશ્વર પાસે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફલેટના બીજા માળેથી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.30) ની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી હાલતમાં ગોદડામાં વીંટાળેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.


મૂળ સિહોરની અને ભાવનગરમાં રહેતી અંકીતાએ છૂટાછેડા લીધેલા છે તેમજ છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રને લઇ આ ફલેટમાં રહેતી હતી. તેની સાથે કોઈ યુવક રહેતો હોવાનો પણ એક અખબારે દાવો કર્યો છે. અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જ્યારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી, જેના પરથી પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જો કે, ભેદ ઉકેલવાની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે.