દિલ્હીથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ટીમે ભોપાલ સીબીઆઇના ચાર અધિકારીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત લાંચ આપનાર મેડિકલ કોલેજના ચેરમેનની પણ ધરપકડ કરવામાં આવી છે.


વાસ્તવમાં છેલ્લા બે વર્ષથી હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ મધ્યપ્રદેશમાં નર્સિંગ કૌભાંડની તપાસ કરી રહી છે. રવિવારે, 19 મેના રોજ આમાં નવો વળાંક આવ્યો હતો. દિલ્હીથી આવેલા સીબીઆઇના અધિકારીઓએ મેડિકલ કોલેજના અધિકારીઓ પાસેથી લાંચ લેવાના આરોપમાં ભોપાલ સીબીઆઈના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક સીબીઆઈ ઈન્સ્પેક્ટર છે, જ્યારે અન્ય બે એમપી પોલીસ અધિકારીઓ છે જેઓ હાલમાં ડેપ્યુટેશન પર સીબીઆઈમાં સેવા આપી રહ્યા છે.


આ સિવાય ખાનગી નર્સિંગ કોલેજના ચેરમેન, પ્રિન્સિપાલ અને એક વચેટિયાની પણ લાંચ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને રવિવારે રાત્રે જ ભોપાલની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 29 મે સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીઆઈને આ કેસમાં કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી સીબીઆઈની ટીમે ભોપાલ, ઈન્દોર અને રતલામ શહેરમાં ઝડપી કાર્યવાહી કરી. મળતી માહિતી મુજબ, નર્સિંગ કોલેજ કૌભાંડમાં સીબીઆઈ ઈન્સ્પેક્ટર રાહુલ રાજ પર કોલેજને બચાવવા માટે રિપોર્ટ બનાવવા માટે લાંચ માંગવાનો આરોપ છે. આ દરમિયાન ટીમે ભોપાલના સીબીઆઈ ઈન્સ્પેક્ટરને પ્રોફેસર કોલોની સ્થિત તેમના ઘરેથી પકડી લીધા હતા. આ સાથે સીબીઆઈએ ભોપાલની મલય કોલેજ ઓફ નર્સિંગના અધ્યક્ષ અનિલ ભાસ્કરન, પ્રિન્સિપાલ સુમા ભાસ્કરન અને લાંચ આપનાર દલાલ સચિન જૈનની પણ ધરપકડ કરી છે. તપાસ દરમિયાન CBIને રાહુલ રાજના ઘરેથી બે સોનાના બિસ્કિટ અને લગભગ 8 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ચારેય આરોપીઓને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમાર શર્માની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેયને 10 દિવસના રિમાન્ડ પર CBIને સોંપ્યા હતા.


ઈન્દોર-રતલામમાંથી 9 લોકોની ધરપકડ


મળતી માહિતી મુજબ સીબીઆઈએ ઈન્દોર અને રતલામમાં પણ દરોડા પાડ્યા છે. આમાં કોલેજ સંચાલક અને મધ્યપ્રદેશ પોલીસના બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ ડેપ્યુટેશન પર સીબીઆઈની તપાસમાં સહકાર આપી રહ્યા હતા. જો કે સીબીઆઈ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. એનએસયુઆઈના નેતા રવિ પરમારે દાવો કર્યો હતો કે તેમની ફરિયાદ પર સીબીઆઈએ કાર્યવાહી કરી છે. તેઓ ટૂંક સમયમાં જ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈને પુરાવા સોંપશે.